મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

બૂથ અને મતગણતરી એજન્ટો માટેના નિયમોમાં વિવાદાસ્પદ ફેરફાર: AAP નેતા સાગર રબારીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે પરિપત્રમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને બૂથ અને મતગણતરી એજન્ટ બનવાની છૂટ આપીને ભાજપ અસામાજિક તત્ત્વો દ્વારા મતદાન પ્રભાવિત કરવા માંગે છે.

બૂથ અને મતગણતરી એજન્ટો માટેના નિયમોમાં વિવાદાસ્પદ ફેરફાર: AAP નેતા સાગર રબારીએ ઉઠાવ્યા ગંભીર સવાલો

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે અત્યારે ચૂંટણીની તૈયારીઓ અને મતદારોની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. બધા ઉમેદવારો પોતાના બૂથ એજન્ટો નક્કી કરવામાં લાગેલા છે. બૂથ એજન્ટો પછી મતગણતરી એજન્ટો નક્કી કરવામાં આવશે. એવામાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બે-ત્રણ મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. એક જોગવાઈ એવી છે કે બૂથ એજન્ટ જે તે બૂથ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ તે નિયમ રદ કરીને હવે એ મતદાર ક્ષેત્રમાં રહેતા હોવા જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત સીટના વિસ્તારમાં કોઈપણ બૂથમાં રહેતો વ્યક્તિ કોઈપણ બૂથમાં એજન્ટ બની શકે છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આ જોગવાઈ લાગુ પડશે. એટલે જરૂરી નથી કે બૂથ એજન્ટ તે જ બૂથ વિસ્તારમાં રહેતો હોય. પરંતુ તેની સાથે બીજી એક ન સમજાય એવી જોગવાઈ કરવામાં આવી છે. ચૂંટણી એજન્ટ, મતદાર એજન્ટ અથવા મતગણતરી એજન્ટ પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાઇત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ, તેવી જોગવાઈ રદ કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એ છે કે ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકો મતદાન મથક પર બૂથ એજન્ટ તરીકે રહી શકશે અને મતગણતરીમાં પણ એજન્ટ તરીકે રહી શકશે. આવા લોકો જ્યારે બૂથ પર ઊભા હોય ત્યારે તેઓ મતદાનને પ્રભાવિત કેમ ન કરી શકે? 

આપ નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં બુટલેગરો, રેતીના વેપારીઓ, ગુંડા પ્રકારના લોકો અને અસામાજિક તત્ત્વો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા હોય છે. આ ચૂંટણીઓમાં લોકોના રોષનો ભોગ બન્યા પછી તેઓ જુદા જુદા પગલાં ક્રમશઃ લેતા આવ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા. ત્યારબાદ જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે સામેના ઉમેદવારોને લલચાવીને, ડરાવીને, ધમકાવીને અને પોલીસને આગળ કરીને ફોર્મ પાછાં ખેંચાવવાનો પ્રયત્ન કર્યો. એમાં પણ જ્યારે તેમને કોઈ સફળતા ન દેખાઈ ત્યારે આવા અસામાજિક તત્ત્વોનો ઉપયોગ મતદાનની પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે નહીં કરે એની શું ખાતરી? આ જોગવાઈથી મતદાનની પ્રક્રિયા ચોક્કસ પ્રભાવિત થઈ શકે. સામે જ્યારે વિસ્તારનો માથાભારે માણસ ઊભો હોય અને એની આંખના ઈશારે સામાન્ય મતદાર, જેને બીજા કશાથી કંઈ લેવા દેવા નથી અને માત્ર પોતાના કામધંધામાં વ્યસ્ત રહેતો હોય, તે આવા લોકોનો સામનો કેવી રીતે કરી શકશે? નિષ્પક્ષ મતદાન માટે આ જોગવાઈને રદ કરવી જરાય હિતાવહ નથી. પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોવી જોઈએ. તેનો અર્થ એ છે કે મતદાન મથક અને મતગણતરી પ્રક્રિયામાં સારા અને ઈજ્જતદાર માણસો હોવા જોઈએ. ભલે તેઓ બૂથ પર ન રહેતા હોય, પરંતુ તેઓ સારા માણસો હોવા જોઈએ જેથી મતદારો ખૂલીને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે. આ જોગવાઈ લાંબા ગાળે મતદાન પ્રક્રિયા અને લોકશાહી પ્રક્રિયા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

fashion

સંબંધિત સમાચાર

travel