મુખ્ય સામગ્રી પર જાઓ

સુરત: પેપર લીક સામે પ્રાર્થના કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત પર ‘આપ’ નો હુંકાર

જો જરૂર પડશે તો મંત્રીઓના ઘર અને 'કમલમ'નો ઘેરાવો કરીશું તેવી ચેતવણી આપતા AAP નેતા પાયલ સાકરિયા. સુરત અટકાયતના સમાચાર વાંચો.

સુરત: પેપર લીક સામે પ્રાર્થના કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત પર ‘આપ’ નો હુંકાર

અમદાવાદ / સુરત / ગુજરાત : ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પેપર લીક રોકવામાં નિષ્ફળ નીવડેલી સરકાર અને તેમના મંત્રીઓને સદબુદ્ધિ મળે તે હેતુથી સુરત ખાતે મંદિરે પ્રાર્થના કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણ, કોર્પોરેટર રચના હીરપરા, પૂર્વ કોર્પોરેટર કુંદન કોઠિયા સમેત મહિલા કાર્યકર્તાઓને પોલીસે અટકાયત (ડિટેન) કર્યા હતા. તાનાશાહીની હદ પાર કરતી આ પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા ’આપ’ નેતા પાયલ સાકરિયાએ આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે "શું મંદિરમાં દર્શન કરવા જવું એ પણ ગુનો છે?" તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ વખત પેપર લીક થયા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર અને નિરાશામાં ધકેલાઈ ગયું છે. ૨૦ તારીખે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવા છતાં હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ૧૨ માંથી ૧૧ પ્રશ્નો વાયરલ થયા હોવા છતાં, કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો બચાવ કરી રહ્યા છે કે માત્ર 'કેટલાક શબ્દો વાયરલ થયા હતા', જે ખૂબ જ શરમજનક છે. શું આખેઆખું પેપર બેઠેબેઠું છપાઈને બહાર આવે તો જ સરકાર તેને લીક થયેલું માનશે?

’આપ’ નેતા પાયલ સાકરીયાએ સરકાર પર આકરા પ્રહારો કરતા પૂછ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં પેપર લીક રોકવા માટે સરકારે કયા નક્કર આયોજનો કર્યા છે? નેતાઓ પોતે ૪ કરોડના ફ્લેટ અને ૨ કરોડની કારમાં ફરે છે તથા તેમના પોતાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે, એટલે તેમને ગુજરાતના સામાન્ય વર્ગના યુવાનોના ભવિષ્યની કોઈ ચિંતા નથી અને તેઓ માત્ર ભાજપના કમલમને જ મજબૂત કરવામાં પડ્યા છે. સરકાર પોતાની સત્તા, પોલીસના દંડા અને દમનકારી નીતિઓથી વિપક્ષને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસની લાઠીઓ કે દમનથી ડરવાના નથી. આજે તો માત્ર સરકારને સદબુદ્ધિ મળે તે માટે મંદિરે દર્શન અને પ્રાર્થના કરવા આવ્યા હતા, પરંતુ જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં મંત્રીઓના ઘર અને ભાજપ કાર્યાલય 'કમલમ'નો પણ ઘેરાવો કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી ’આપ’ નેતાઓએ આપી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: AAP Gujarat news Payal Sakariya interview Kamalam gherao Surat police action

સંબંધિત સમાચાર