અમદાવાદ / જામનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક અત્યંત દુઃખદ ઘટના વિશે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે એક દુઃખદ ઘટના બની છે. જામનગરના વાવડી ગામે આ વર્ષે દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જતા અને કર્જ વધી જવાના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખની ઘડીમાં તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અમે વારંવાર દુષ્કાળ બાબતે સરકારનું ધ્યાન દોરતા આવ્યા છીએ, વાત કરતા આવ્યા છીએ, આંદોલન કરતાં આવ્યા છીએ અને જણાવી રહ્યા છીએ કે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. પરંતુ સરકાર અને સરકારના મંત્રીઓ આ વાત માનવા તૈયાર નથી અને ફક્ત મોટી મોટી વાતો કરે છે કે “ખેડૂતોને અને પશુઓને જે જોઈએ છે એ પુરવઠો અમે પૂરો પાડીએ છીએ” આવા નિવેદનો મંત્રીઓ વારંવાર આપતા હોય છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સરકારના મંત્રીઓ ગમે તેવા નિવર્દનો આપે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખેડૂતોની કંઈ અલગ છે, દરેક ખેડૂતો પર કર્જ વધવા લાગ્યું છે, એટલા માટે ખેડૂતો હવે પલાયન કરી રહ્યા છે, તેમના પશુઓને કોઈ આશ્રમમાં છોડી દેવા માટે મજબૂર બન્યા છે. અને હવે છેલ્લે આ ઘટના સામે આવી જેમાં હેમંતભાઈ નામના ખેડૂતે આત્મહત્યા કરી. હજુ પણ સરકારે જાગવાની જરૂર છે અને સરકારે જે મામૂલી સહાયની જાહેરાત કરી છે એનાથી ખેડૂતોને કંઈ થવાનું નથી. સરકાર હજુ સંતોષકારક સહાયની જાહેરાત કરી એવી અમારી માંગ છે અને અમે ખેડૂતોને પણ અપીલ કરીએ છીએ કે આ રીતનું પગલું ભરવું એ કોઈ નિરાકરણ નથી આપણે તમામ લોકો સાથે મળીને લડીશું, અવાજ ઉઠાવીશું અને સરકાર પાસેથી આપણે આપણો હક મેળવીને રહીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત