મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રવીણ રામની ઐતિહાસિક માંગ: જૂનાગઢને ભારતમાં ભેળવનાર સરદાર પટેલના માનમાં કેશોદ એરપોર્ટનું નામકરણ સરદારના નામે થાય

31 ઓક્ટોમ્બર સરદાર સાહેબની જન્મજયંતિના દિવસે જ ’આપ' નેતા પ્રવિણ રામે કેશોદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવે એવી પત્ર લખી મુખ્યમંત્રી પાસે કરી માંગ.

પ્રવીણ રામની ઐતિહાસિક માંગ: જૂનાગઢને ભારતમાં ભેળવનાર સરદાર પટેલના માનમાં કેશોદ એરપોર્ટનું નામકરણ સરદારના નામે થાય

અમદાવાદ | આજે ૩૧ ઓક્ટોબર એટલે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. આ ઐતિહાસિક દિવસના અવસરે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગુજરાતના મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર લખીને જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનું નામ  'સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ' રાખવાની મહત્વપૂર્ણ માંગ કરી છે. પ્રવીણ રામે પોતાના પત્રમાં જૂનાગઢ અને કેશોદના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કરી આ માંગને માત્ર નામકરણ નહીં, પરંતુ ઇતિહાસને આવનારી પેઢીઓ માટે અમર કરવાની કવાયત ગણાવી છે.

’આપ’ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આઝાદી સમયે જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો દેશદ્રોહી નિર્ણય લીધો હતો, ત્યારે માત્ર અને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ, દ્રઢ ઇચ્છાશક્તિ અને આક્રમક રણનીતિના કારણે જ જૂનાગઢ ભારતનો અતૂટ હિસ્સો બની શક્યું હતું. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ જ 'આરઝી હકુમત'ની સ્થાપના કરવામાં આવી હતી અને તેની લોકસેનાના સરસેનાપતિ તરીકે કેશોદના જ સપૂત રતુભાઈ અદાણીએ સશસ્ત્ર ક્રાંતિની જવાબદારી સંભાળી હતી. જે કેશોદના વતની હતા,

 

’આપ’ નેતા પ્રવિણ રામે વધુમાં ઉમેર્યું છે કે, લોકસેના અને સરદાર પટેલની રણનીતિથી ચારે દિશાઓમાંથી જ્યારે જૂનાગઢ પર ભારે દબાણ ઊભું કરવામાં આવ્યું, ત્યારે ભયભીત થયેલો જૂનાગઢનો નવાબ આજ કેશોદ એરપોર્ટ પરથી જ પોતાનો જીવ બચાવીને રાતોરાત પાકિસ્તાન ભાગી ગયો હતો. કેશોદ એરપોર્ટ આ ઐતિહાસિક ઘટનાનું અને સરદાર પટેલના વિજયનું સાક્ષી છે.

 

પ્રવીણ રામે મુખ્યમંત્રીને અપીલ કરતા સ્પષ્ટ કર્યું છે કે, જે એરપોર્ટ પરથી સરદાર પટેલે પોતાની તાકાત અને મુત્સદ્દીગીરીથી નવાબને દેશ છોડીને ભાગવા મજબૂર કર્યો હતો, તે જ કેશોદ એરપોર્ટને જો 'સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ' નામ આપવામાં આવે, તો સરદાર સાહેબને આ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ નિર્ણયથી જૂનાગઢ મુક્તિ સંગ્રામનો સુવર્ણ ઇતિહાસ કાયમ માટે જીવંત થઈ જશે.

અંતમાં, પ્રવીણ રામે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર આ ઐતિહાસિક તથ્યો, રાષ્ટ્રપ્રેમ અને સૌરાષ્ટ્રની લોકલાગણીને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે કેશોદ એરપોર્ટના નામકરણની સત્તાવાર જાહેરાત કરે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: પ્રવીણ રામ આમ આદમી પાર્ટી ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ

સંબંધિત સમાચાર