અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરન બારોટે ભાજપને આડેહાથ લેતા જણાવ્યું હતું કે શું દેશની અંદર વિરોધ કરવાનો અધિકાર ફક્ત ભારતીય જનતા પાર્ટી પાસે જ છે? જો સત્તાપક્ષ વિરોધ કરે તો એનો કાર્યક્રમ અને જો વિપક્ષ કરે તો એના પર પ્રતિબંધ. સત્તાપક્ષ વિરોધ કરે તો પરમિશન મળી જાય, સત્તાપક્ષ વિરોધ કરે તો પોલીસ પ્રોટેક્શન મળે અને વિપક્ષ કરે તો એના ઉપર કાયદાની લાઠી ચાલે. સત્તાપક્ષ કરે તો લાલ જાજમ પાથરે. આજે ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતમાં લોકશાહી અને બંધારણના લીરેલીરા છેલ્લા ૩૦ વર્ષમાં ઉડાડ્યા છે, એ જ લોકતંત્રને અને એ જ લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી અલગ-અલગ મહાનગરોમાં અત્યારે પદયાત્રા કરી રહી છે અને આવતીકાલે જ્યારે અમદાવાદમાં પદયાત્રા છે ત્યારે પદયાત્રાને અનુરૂપ આજે એક જાહેરનામું અમદાવાદની પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે આવતીકાલે અખબારનગરથી આરટીઓ સર્કલ સુધીનો માર્ગ વ્યવહાર બંધ રહેશે કેમ કે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી લોકશાહીને બચાવવા માટે પદયાત્રા કરી રહી છે. પણ આટલા વર્ષોથી જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પરમિશન માંગે, વિરોધ કરવા માટે પરમિશન માંગે, રેલી કરવા માટે પરમિશન માંગે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ઘરમાંથી ઉપાડી-ઉપાડીને ડીટેઈન કરે, હાઉસ અરેસ્ટ કરે, ઘરની બહાર નીકળવા ના દે, દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થાય અને અહીંથી જવું હોય તો પકડી-પકડીને બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દે, મુખ્યમંત્રી એમના વિસ્તારમાં આવવાના હોય તો એમને ઘરની અંદર હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવે.
ડો.કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે આજે ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા એ પદયાત્રા અને વિરોધ પક્ષની પદયાત્રા એ ગુનો? આજે ભારતીય જનતા પાર્ટી પદયાત્રા કરે તો જાહેરનામું બહાર પડે અને વિરોધ પક્ષ કરે તો એને ડીટેઈન કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે. આ ગુજરાતની અંદર સત્તાપક્ષ અને વિરોધ પક્ષ માટે આ અલગ-અલગ કાયદા ક્યારથી લાગુ થઈ ગયા? આજે મારે ગુજરાતની જનતાને કહેવું છે કે આ તમામ રોડ-રસ્તાઓ શું ભારતીય જનતા પાર્ટીની ખાનગી માલિકીના છે? વિરોધ કરવાનો અધિકાર ખાલી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ છે અને વિપક્ષ જો ગુજરાતી જનતાનો અવાજ બનવાનો પ્રયાસ કરે તો એનો અવાજ દબાવવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટી કરે છે. આજે વિરોધ કરવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય એ બંને માટે સમાન કાયદો લાગવો જોઈએ અને કાયદાની જાળવણી કરવાનું કામ એ પોલીસતંત્રનું છે, અને કાયદો એ હંમેશાથી કોઈ પક્ષને જોઈને નહીં પરંતુ સમાન રૂપે લાગુ થવો જોઈએ. પણ જ્યારે વિરોધ પક્ષ આ રીતે અવાજ ઉઠાવે ત્યારે એમને ધરપકડ કરવામાં આવે, વિરોધ પક્ષ પરમિશન માંગે ત્યારે તેમને ડીટેઈન કરી દેવામાં આવે, વિરોધ પક્ષનો અવાજ દબાવવામાં આવે ત્યારે આવું બધું જ્યારે ગુજરાતમાં થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે દેશની અંદર બંધારણ અને લોકશાહી માટે અને અધિકારના રક્ષણ માટે અવાજ ઉઠવો જોઇએ.