અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મિડીયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે વિસાવદર તાલુકાના કુબા (રાવણી) ગામના ખેડૂતોના ૨૦ વર્ષ જૂના ગંભીર પ્રશ્નનો આખરે સફળતાપૂર્વક ઉકેલ આવ્યો છે. આજથી ૨૦ વર્ષ પહેલાં આ ગામના તલાટી મંત્રી દ્વારા હક્કપત્રક નંબર-૬ ગુમ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે નોંધ-૧ થી ૮૯૮ સુધીની ઉત્તરોત્તર નોંધો મળતી બંધ થઈ ગઈ હતી. આ ગંભીર બેદરકારીના કારણે ગામના તમામ ખેડૂતોને જમીન વારસાઈ, વેચાણ, બિનખેતી (એન.એ.), લોન તેમજ અન્ય વહીવટી કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગામના આગેવાનો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા આ મુદ્દો પડતો મૂકવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દો ચૂંટણી ટાણે વેદનાની ડાયરીમાં નોંધીને ધારાસભ્ય દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આજ રોજ સચિવાલય ખાતેથી સંતોષકારક માહિતી પ્રાપ્ત થઈ છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આ બાબતે લેખિતમાં સત્તાવાર જાણ કરવામાં આવી છે, જેમાં નોંધોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગામ મુકામ કરી, ગ્રામસભાઓ યોજી, ખાતેદારોનો સંપર્ક કરી તથા જૂના નમૂના નં. ૭/૧૨, ખાતાવહીઓ, અદાલતી હુકમો અને સહકારી મંડળીઓ કે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી પુરાવા મેળવીને પ્રશ્ન હલ કરવા સૂચના અપાઈ છે. તેમજ જમીન વેચાણ કે પ્રીમિયમની અરજીઓમાં ૨૫ વર્ષ જૂનું રેકર્ડ ધ્યાને ન લેવાનો મહત્ત્વનો નિર્ણય પણ કરાયો છે. સરકાર કક્ષાએથી આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવતા કુબા (રાવણી) ગામના ખેડૂતો અને ગ્રામજનોએ ભારે રાજીપો વ્યક્ત કર્યો છે.