અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ખરેખર દુઃખદ ઘટનાઓ પર જ્યારે જશ્ન મનાવવામાં આવે છે ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે અને ગુજરાતીઓ માટે શરમજનક વાત છે. ગુજરાત વ્યાપારી છાપ ધરાવતું, શાંતિપ્રિય અને સંસ્કારી રાજ્ય છે, જે ગુજરાતના નાગરિકોના કારણે છે. પરંતુ આજે કેટલાક ભેફામ બનેલા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા છે, લોકનીતિ ભૂલી ગયા છે અને બધી નીતિઓને ભૂલીને જાણે બીનહરીફ કરાવાની હોડ લાગી હોય તેવી પરિસ્થિતિ ઉભી કરી છે. આ બધું લોકતંત્રની હત્યા પર મજાક સમાન ઉજવણી છે. ભાજપ દ્વારા 700 લોકો બીનહરીફ રાખ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને ઐતિહાસિક ઘટના ગણાવવામાં આવે છે, જે ખરેખર શરમજનક છે અને તેનો અર્થ એ થયો કે તમે ચૂંટણી લડવા માટે લાયક રહ્યા ન હતા. લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક ઓડિયો-વિડિયો સામે આવ્યા છે, જેમાં ક્યાંક લોભ, ક્યાંક પ્રલોભન, ક્યાંક લાલચ, ક્યાંક અપહરણ, ક્યાંક અપરાધ અને ક્યાંક પોલીસના ધમકીઓ દ્વારા ઉમેદવારી પાછી ખેંચાવવાના પ્રયાસો દેખાઈ રહ્યા છે, જે લોકતંત્ર માટે લાલબત્તી સમાન છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે બાંગ્લાદેશમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં વિપક્ષને દબાવીને સરકાર બનાવી હતી, પરંતુ અંતે પ્રજાએ જવાબ આપ્યો હતો. ગુજરાત તો શાંતિપ્રિય રાજ્ય છે, પરંતુ આજે લોકોમાં આક્રોશ છે અને ઘણા લોકો ફોન કરીને આ બાબતે ચિંતા વ્યક્ત કરે છે. ભાજપે સત્તાનો, પોલીસનો અને રાજનીતિનો દુરુપયોગ કર્યો છે અને આવી સ્થિતિ ઉભી કરી છે કે જે રાવણ અને કંસના સમયમાં જોવા મળતી હતી તેવી લાગણી થાય છે. ચૂંટણી પંચ મુક પ્રેક્ષક બની રહ્યું છે, જેની ફરજ છે કે નિષ્પક્ષ ચૂંટણી યોજે, પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું લાગતું નથી. અનેક જગ્યાએ પોલીસ અને તંત્ર ભાજપના કાર્યકર્તા જેવી ભૂમિકા ભજવતા દેખાય છે, જે ગુજરાત અને લોકતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે. આજે લોકતંત્રની હત્યા થઈ રહી છે અને તેની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતની જનતા બધું જાણ છે, આવનારી ચૂંટણીમાં પોતાનો મત આપી યોગ્ય જવાબ આપશે તેવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


