રાજપીપળા : ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન, રાજપીપળા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા સંસ્થાએ પોતાની ૭૭ મી વર્ષગાંઠ નિમિત્તે યાદગાર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, નર્મદાના ચેરમેનશ્રી એચ.જે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અધ્યક્ષ તરીકે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, નર્મદાના ચેરમેનશ્રી એચ.જે. પરમારે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા બાળકોને પ્રોત્સાહન મળે છે તથા તેમના સર્વાંગી વિકાસ માટે સકારાત્મક માહોલ ઊભો થાય છે.
કાર્યક્રમમાં સંસ્થાના ઈતિહાસ પર પ્રકાશ પાડતાં બાળકો અને કર્મચારીઓ દ્વારા દિનચર્યાનું નિદર્શન, આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું હતું. ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન (કાયદા વિભાગ, ગુજરાત રાજ્ય) એ.આર. પટેલ અને ભૂતપૂર્વ ધારાસભ્ય રામજીભાઈ એચ. વસાવા (ડેડીયાપાડા) દ્વારા સંસ્થાને પાઠવેલા શુભેચ્છા સંદેશોનું પણ પઠન કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાની સ્થાપના તા. ૨૧ જુલાઈ, ૧૯૪૯ના રોજ તત્કાલીન કલેકટરશ્રી દલાલ અને પ્રોબેશન ઓફિસર જોન મેકવાનના પ્રયત્નોથી કરવામાં આવી હતી. તે સમયે સ્વ. ગજેન્દ્રભાઈ મહેતા અને સ્વ. ચંદુભાઈ ચોકસીના સહયોગથી “રીમાંડ હોમ” તરીકે શરૂઆત થઈ હતી. હાલમાં આ સંસ્થા જૂવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ હેઠળ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ નોંધાયેલ છે.
તાજેતરમાં “ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા” દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૭૬ વર્ષથી વધુ સમયથી સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર તથા એકવાલી બાળકોના ઉત્કર્ષ માટે અવિરત સેવા આપવામાં આવી રહી છે. આ યોગદાન માટે સંસ્થાએ ભૂતપૂર્વ હોદ્દેદારો, દાતાશ્રીઓ અને
તમામ સહયોગીઓને યાદ કરી આ ઉજવણી વિશેષ બનાવી હતી.
આ ભવ્ય કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોર્ટના ન્યાયાધીશશ્રીઓ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ તથા બાળ કલ્યાણ સમિતિના સભ્યો, સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફિસર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ, ઉપરાંત સંસ્થાના પ્રમુખ, મંત્રી, કારોબારી મંડળના સભ્યો, ભૂતપૂર્વ બાળકો અને કર્મચારીઓ, તથા દાતાશ્રીઓ અને સંલગ્ન વિભાગોના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


