મુખ્ય સામગ્રી પર જાઓ

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજખોરીનો ગંભીર આરોપ, CBIની ACB વિંગમાં ફરિયાદ

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજખોરીનો ગંભીર આરોપ, CBIની ACB વિંગમાં ફરિયાદ

અમદાવાદ, શુક્રવાર

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામમાં રહેતા મુકેશ દેસાઈ, જે ભુવા તરીકે ઓળખાય છે, તેમના પર ગંભીર આરોપો લાગ્યા છે. એક ફરિયાદ મુજબ, તેઓ ધાર્મિકતાની આડમાં લોકોને ડરાવીને પૈસા પડાવી રહ્યા છે અને ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો ચલાવી રહ્યા છે. અમદાવાદ એક્સપ્રેસ દ્વારા મળતી માહિતી મુજબ, આ મામલે સીબીઆઈની એસીબી વિંગમાં ચોંકાવનારી અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશ દેસાઈ માતાજીના ભુવા હોવાનો ઢોંગ કરીને લોકોને ધમના નામે ડરાવીને પૈસા પડાવે છે અને વ્યાજનો ગેરકાયદેસર ધંધો કરે છે. વર્ષ 2006-07માં તેમની પાસે ફક્ત વારસાગત મકાન અને 10 વીઘા જમીન હતી. જોકે, 2015માં તેમણે કરોડો રૂપિયાના ખર્ચે 'વિહતધામ' નામનું મંદિર બનાવ્યું. હાલમાં, તેમની જીવનશૈલી અત્યંત વૈભવી છે. તેઓ ઘોડા ફાર્મ ધરાવે છે, વિવિધ શહેરોમાં કરોડોની સંપત્તિના માલિક છે, અને લક્ઝરી કારનો કાફલો પણ ધરાવે છે.

આક્ષેપ મુજબ, ગંભીરપુરા ગામના વિષ્ણુ પટેલ નામના વ્યક્તિ પાસેથી મુકેશ દેસાઈએ પહેલા મદદના નામે લાખો રૂપિયા લીધા હતા. ત્યારબાદ, માતાજીને 54 તોલા દાગીના ચઢાવવાનું કહીને હિંમતનગરની સી.એચ. જ્વેલર્સમાંથી દાગીના લીધા હતા, જેનો ઉપયોગ તેમણે પોતાના અંગત કામ માટે કર્યો. વિષ્ણુ પટેલે મુકેશ દેસાઈ પાસેથી 50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ, હિસાબ કરીને મુકેશ દેસાઈએ 20 ટકા વ્યાજ સાથે 9 કરોડ રૂપિયા વસૂલ્યા અને વિષ્ણુ પટેલનું મકાન અને જમીન પણ પચાવી પાડ્યા.

આમ, મુકેશ દેસાઈએ 20 ટકા વ્યાજનો ધંધો કરીને મોટા પ્રમાણમાં સંપત્તિ ભેગી કરી છે. વિષ્ણુ પટેલને ધમકીઓ મળતા, તેમણે એક વ્યક્તિની મદદથી ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે, મુકેશ દેસાઈની પહોંચ મોટા પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સુધી હોવાથી વિષ્ણુ પટેલે ન્યાય માટે સીબીઆઈનો સંપર્ક કર્યો છે. અમદાવાદ એક્સપ્રેસ આ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને વધુ અપડેટ્સ આપતું રહેશે.

સંબંધિત સમાચાર