જગદીશ પી દવે | દેશલપર (ગુંતલી) : હાજીપીરથી ઉમેશભાઈ આચાર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગડુલી–સાતલપુર માર્ગ વર્ષો પહેલાં ગ્રામ્ય માર્ગ તરીકે બનાવવામાં આવ્યો હતો. તે સમયે માર્ગ પર આવેલા પુલો અને પાઇપ કલ્વર્ટ સામાન્ય વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષો બાદ આ વિસ્તારમાં નિમક અને બ્રોમીનનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓ શરૂ થતાં ભારે વાહનવ્યવહાર વધ્યો છે. દરરોજ અંદાજે 80થી 90 ટન માલ ભરેલી ઓવરલોડ ટ્રકો આ માર્ગ પરથી પસાર થવાને કારણે માર્ગ અને તેના પુલો જર્જરિત બની ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ગની હાલતને ધ્યાનમાં રાખીને પરિવહન મંત્રી દ્વારા ગડુલી–સાતલપુર માર્ગને તાત્કાલિક ધોરણે 10 મીટર પહોળો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી માટે ઓનલાઈન ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માર્ગ નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે.
દેસલપર–હાજીપીર સીસી રોડ બન્યા બાદ દરરોજ અંદાજે 500થી 600 ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. જેના કારણે જૂનો ગ્રામ્ય માર્ગ વધુ જર્જરિત બન્યો હતો. હાલ રોડ ઓથોરિટી દ્વારા તૂટેલા પુલો પર જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે.
રોડ ઓથોરિટીના એન્જિનિયર દિલીપભાઈએ જણાવ્યું હતું કે ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને ધોરડોથી હાજીપીર સુધી માર્ગ નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
નવો 10 મીટર પહોળો માર્ગ તૈયાર થતાં સ્થાનિક લોકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળશે તેમજ હાજીપીર દરગાહે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે પણ આ માર્ગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.