મુખ્ય સામગ્રી પર જાઓ

ગરુડેશ્વર ખાતે નર્મદા નદી કિનારે બચાવ કામગીરી અંગે મોકડ્રિલ યોજાઈ

નદીમાં ડૂબતા વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ માટે તંત્ર સજ્જ બન્યું.

ગરુડેશ્વર ખાતે નર્મદા નદી કિનારે બચાવ કામગીરી અંગે મોકડ્રિલ યોજાઈ

રાજપીપળા :  વરસાદી સિઝન દરમિયાન નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ગરુડેશ્વર ખાતે વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે દત્ત મંદિર નજીક નર્મદા નદીના ઓવારા ખાતે ડૂબતા વ્યક્તિને બચાવવા અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું.

મોકડ્રિલ દરમિયાન ડૂબતા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા, બચાવ સાધનોનો અસરકારક ઉપયોગ, વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન તેમજ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ અંગે વ્યવહારુ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની મોકડ્રિલ દ્વારા બચાવ દળોની કામગીરી વધુ અસરકારક બને છે તેમજ આપત્તિ સમયે જાનહાનિ ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.

વરસાદી ઋતુ દરમિયાન નાગરિકોએ નદી, તળાવ અને જળાશયોની આસપાસ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય ત્યારે સંબંધિત વિભાગોને તાત્કાલિક જાણ કરી તંત્રને સહકાર આપવા તેમજ જોખમી સ્થળોએ જવાનું ટાળવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.

આ મોકડ્રિલમાં મામલતદારશ્રી ગરુડેશ્વર, પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી ગરુડેશ્વર, નાયબ મામલતદાર (ડિઝાસ્ટર), એસ.આર.ડી. (SRD) જવાનો, જી.આર.ડી. (GRD) જવાનો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: ગરુડેશ્વર રાજપીપળા મોકડ્રિલ

સંબંધિત સમાચાર