મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: 'નેચરલ ફાર્મિંગ' ની ડિગ્રી હવે 'એગ્રીકલ્ચર' ડિગ્રી સમકક્ષ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે 'નેચરલ ફાર્મિંગ' ની ડિગ્રીને 'એગ્રીકલ્ચર' ની ડિગ્રી સમાન માન્યતા આપવામાં આવી છે.

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: 'નેચરલ ફાર્મિંગ' ની ડિગ્રી હવે 'એગ્રીકલ્ચર' ડિગ્રી સમકક્ષ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તકો ઉપલબ્ધ કરાવવા માટે આજે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

 

કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા “બી.એસસી (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ” અભ્યાસક્રમને રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા “બી.એસસી. (ઓનર્સ) એગ્રીકલ્ચર” અભ્યાસક્રમ સમકક્ષ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતે પણ પ્રાકૃતિક ખેતીના અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે પ્રાકૃતિક ખેતીના શિક્ષણને પણ સમાન મહત્વ અને માન્યતા આપવાનો રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો અને યુવાનો બંને માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

આ સમકક્ષતા અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નિયત કરાયેલા ધોરણો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ તેમજ છઠ્ઠી ડીન કમિટીની ભલામણોના આધારે બંને અભ્યાસક્રમોના માળખા, ક્રેડિટ સિસ્ટમ, અભ્યાસક્રમ, પ્રાયોગિક તાલીમ અને શૈક્ષણિક લાયકાતનું વિગતવાર અને ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતીનો આ અભ્યાસક્રમ સંપૂર્ણપણે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને "બેક ટુ બેઝિક્સ"ના અભિગમ પર આધારિત છે, જેમાં પ્રકૃતિ આધારિત ખેતી, દેશી જ્ઞાન પરંપરા, દેશી બિયારણ, ગાય આધારિત કૃષિ પદ્ધતિ, સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ અને ટકાઉ કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે.

પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ આરોગ્યના સંરક્ષણ સાથે ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી આત્મનિર્ભર કૃષિ તરફ દોરી જતો સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ છે.

Tags: Bhupendra Patel Gujarat Government Natural Farming Agriculture Education Viksit Gujarat Gujarat Agriculture Sustainable Farming

સંબંધિત સમાચાર