મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત @ 2047 અમલીકરણ રોડમેપના અનાવરણ દ્વારા વિઝનથી ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન તરફ રાજ્ય સરકારની એક નિર્ણાયક પરિવર્તન કારી પહેલ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કરેલો આ રોડમેપ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન-GRIT અને સામાન્ય વહિવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી મંડળના મંત્રીશ્રીઓ તેમજ મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢીયા અને વરિષ્ઠ સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ અમલીકરણ રોડમેપનું અનાવરણ થયું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના વિઝનને સુસંગત આ વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસ યાત્રાનો એક નિર્ણાયક પડાવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે તેમાં રાજ્યોની પણ સક્રિય સહભાગિતાથી સર્ગગ્રાહિ વિકાસની તેમની નેમ છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રોડમેપ શું કરવાની જરૂર છે, કોના દ્વારા અને કયા સમયમર્યાદામાં તે અંગે સ્પષ્ટતા લાવે છે, તેનાથી કેન્દ્રિત અને જવાબદાર શાસન સુનિશ્ચિત થાય છે. મુખ્યમંત્રીશ્રીએ ઉદ્દેશ્ય કરતાં પરિણામો પર ભાર મૂકતા જણાવ્યું કે, આ અમલીકરણ રોડમેપ આખરે નાગરિકો માટે સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધા, સમાવિષ્ટ વિકાસ અને ટકાઉ વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં ઉપયોગી બનશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગવર્નન્સમાં ગુણવત્તાની વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતને ગુજરાતે GRITની સ્થાપના અને તેને તૈયાર કરેલા કોમ્પિટીટીવ, ઈન્ક્લુઝિવ, સસ્ટેનેબલ અને ટેક્નોલોજી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરતા લોંગ ટર્મ સ્ટ્રેટેજિક વિઝનરૂપ આ રોડમેપના અમલીકરણથી આપણે ચરિતાર્થ કરવી છે.
રાજ્ય સરકારે સામાન્ય માનવીની સુખાકારી અને આર્થિક આધારને વધુ સુદ્રઢ બનાવવા અર્નિંગ વેલ લિવિંગ વેલનો જે કન્સેપ્ટ આપ્યો છે તેને પુર્ણ કરવામાં GRITના આ રોડમેપનું અમલીકરણ દિશા દર્શક બનશે એન તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે, વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપમાં જે માઈક્રો પ્લાનિંગ આપણે કર્યુ છે તેને એક્શન પ્લાનથી અમલી બનાવીને સંકલિત અને નિષ્ઠાપૂર્વકના સહિયારા પ્રયાસોથી વિકસિત ગુજરાત અવશ્ય બનવાનું જ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ 12 વર્ષના સુશાસનમાં વિકાસનો જે અભિગમ અપનાવ્યો છે તેને આગળ વધારતા દરેક રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક્તાનું વાતાવરણ બન્યું છે. ગુજરાતે વિકસિત ભારત માટે લિડ લેવાનો જે સંકલ્પ કર્યો છે તેને જાળવી રાખવા સતત કાર્યરત રહેવું પડશે.
આ હેતુસર હંમેશા મોટા ગોલ રાખવા જોઈએ તેવી અને “ચાલશે” ની માનસિકતા દુર કરીને 100 ટકા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત કામોની વાત પાયામાં રાખીને ક્વોલિટી કોમ્પ્રોમાઈઝ નહિ ચલાવી લેવાની શિખ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે કહ્યું હતું કે, આજે ભારત દેશ અભાવમાંથી પ્રભાવ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આપણા લક્ષ્યાંકો એવા હોવા જોઈએ જે અશક્ય ન હોય, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે આપણે થોડી વધુ મહેનત કરવી પડે. સદભાગ્યે ગુજરાત સરકાર પાસે સંસાધનો કે બજેટ–નાણાની કોઈ કમી નથી, તેથી હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત મોનિટરિંગ અને સમયસર સમીક્ષાની જ જરૂરિયાત છે.
મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે, વિકાસની આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે રાજ્ય સ્તરથી લઈને જિલ્લા કક્ષાએ કલેક્ટર અને ડીડીઓ સુધીના તમામ અધિકારીઓએ વધુ સક્રિય થવું પડશે. જો કોઈ વિભાગને પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કોઈ નાણાકીય સહાય, પોલિસીમાં ફેરફાર કે નવા નિર્ણયોની જરૂર હોય તો સરકાર તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્પ્લોયમેન્ટ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ સહિતના તમામ ક્ષેત્રોમાં કેપીઆઈ (KPI) મુજબ સંતુલિત વિકાસ થાય તે આપણી પ્રાથમિકતા છે.
GRITના CEO શ્રી એસ. અપર્ણાએ 'વિકસિત ગુજરાત @2047 ઈમ્પિલિમેન્ટેશન રોડમેપ' અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જાન્યુઆરી 2024 માં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યો હતું. જેમાં રાજ્યના તમામ 26 વિભાગોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2047 સુધીમાં ગુજરાતનો GSDP 3.5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ રોડમેપમાં લિવિંગ વેલ અને અર્નિંગ વેલના મંત્રને સાકાર કરવા મુખ્ય 11 થીમ,120 મેક્રો ગોલ તેમજ 55 કી થ્રસ્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, વિકસિત ગુજરાત @2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવા દરેક વિભાગે જે ગોલ નક્કી કર્યા છે તેના આધારે જ આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે. વિકસિત ગુજરાત @2047 ડેશબોર્ડમાં ઉદાહરણ સ્વરૂપે શિક્ષણ, કૃષિ, પ્રવાસન અને પાણી પુરવઠા વિભાગમાં હાલની સ્થિતિ અને ભાવિ આયોજન વિશેના રોડમેપને સાકાર કરવા કેવી રીતે કાર્ય કરી શકાય તેની વિગતો રજૂ કરવામાં આવી હતી.
સામાન્ય વહીવટ વિભાગ-આયોજન સચિવ શ્રી આદ્રા અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે 'વિકસિત ભારત ૨૦૪૭'ની પરિવર્તનકારી યાત્રા શરૂ કરી છે, જેને સુસંગત રહીને ગુજરાત સરકારે પણ વર્ષ ૨૦૪૭ સુધીમાં વૈશ્વિક સ્તરે સમૃદ્ધ, સ્પર્ધાત્મક, સર્વસમાવેશી, સસ્ટેનેબલ અને ઇનોવેશન આધારિત રાજ્ય બનવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
આવા વિકાસ કાર્યોની ચોક્કસ સમીક્ષા માટે ગાંધીનગર ખાતે આવેલી 'GRIT'ની ઓફિસમાં એક અત્યાધુનિક 'સ્ટ્રેટેજી રૂમ' તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ ડેશબોર્ડના માધ્યમથી પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમના અંતે 'GRIT'ના જોઈન્ટ સીઈઓ શ્રી સ્તુતિ ચારણે આભાર વિધિ કરી હતી.