અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન c ખેડૂતોની રેલીમાં પહોંચીને મીડિયા સમક્ષ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કાલાવડથી ઘેલા સોમનાથ સુધી જેટકો (JETCO) ની નવી વીજ લાઇન આવી રહી છે, જે ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે. મારે પહેલા તો સરકારને એ પૂછવું છે કે કાલાવડ કે ઘેલા સોમનાથમાં તમારો એવો કયો મોટો પ્રોજેક્ટ ચાલે છે, જ્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરીને આ લાઇન દ્વારા ટ્રાન્સફર કરવા માંગો છો? વાસ્તવમાં આ ખેડૂતોને ભોળવવાની સરકારની નીતિ છે. ઘેલા સોમનાથથી કાલાવડની આ વીજ લાઇનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે થઈ રહ્યો છે. ખેડૂતોની સૌથી મોટી પીડા એ છે કે જ્યારે આવી લાઇન નાંખવાની નોટિસ આવે, ત્યારે તે સીધી ગ્રામ પંચાયતમાં મોકલી દેવાય છે. જે સર્વે નંબરમાંથી લાઇન પસાર થવાની હોય કે વીજળીનો થાંભલો આવવાનો હોય, તેવા અસરગ્રસ્ત ખેડૂતોને વ્યક્તિગત રીતે કોઈ જાણ કે નોટિસ આપવામાં આવતી નથી. જ્યારે વાંધા અરજી કરવાનો સમય પૂરો થઈ જાય, ત્યારે અચાનક અધિકારીઓ ખેતરમાં આવીને થાંભલો નાંખી દે છે અને ત્યારે ખેડૂતને ખબર પડે છે કે તેના ખેતરમાં થાંભલો આવી ગયો! આ લોકો કહે છે કે સર્વે થઈ ગયો છે, પણ કયા અધિકારીએ સર્વે કર્યો અને કયા ખેડૂતને બોલાવીને કર્યો? એ પહેલા સરકારે સ્પષ્ટ કરવું જોઈએ. ખેડૂતની મરજી વિરુદ્ધ તેના ખેતરમાં થાંભલો ખોડી દેવામાં આવે છે. જો આ સરકારી લાઇન હોય, તો સરકાર અમને લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં આ થાંભલા કે લાઇનનો ઉપયોગ અદાણી કે અંબાણીના અંગત પ્રોજેક્ટ માટે નહીં થાય. જો આ વીજળી ખરેખર દેશહિતમાં કે જાહેર જનતા માટે વપરાવાની હોય, તો અમને કોઈ વાંધો નથી, અમે રાજીખુશીથી બલિદાન આપવા તૈયાર છીએ. પણ જો આ લાઇન કોઈના અંગત સ્વાર્થ અને કરોડોની કમાણી માટે હોય, તો ખેડૂતોને નજીવું વળતર આપીને કેમ હેરાન કરવામાં આવે છે? તેમનું ખેતર કેમ વેડફી નાખવામાં આવે છે?
’આપ’ નેતા જીગીશા પટેલે વધુમાં જણાવ્યું હતુ કે બીજો મોટો મુદ્દો એ છે કે જે સર્વે નંબરમાં આ મોટો થાંભલો આવે, તે જમીનમાં ભવિષ્યમાં ખેડૂત ન તો કોઈ બાંધકામ કરી શકે, ન કૂવો ગાળી શકે કે ન કોઈ ઓરડી બનાવી શકે. આવી જમીન જો ખેડૂત વેચવા જાય, તો તેના ભાવ અડધા થઈ જાય છે. આ નુકસાનનું વળતર કોણ ભોગવશે? તેમજ જેમના ખેતર પરથી માત્ર તાર નીકળે છે, તેમને પણ મારે જાગૃત કરવા છે કે કાલે સવારે કંપનીના માણસો મેન્ટેનન્સ માટે આવશે અને નીચે ઊભેલા પાકને નુકસાન કરશે, તો એ નુકસાની કોણ ભરપાઈ કરશે? અહીં રેલીમાં હું કોઈ રાજકારણ કરવા નથી આવી. ખેડૂતોએ મને ચાર-ચાર વાર ફોન કરીને બોલાવી એટલે હું એક ખેડૂત પુત્રી તરીકે તેમની વ્હારે આવી છું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની પીડા કલેક્ટર સુધી પહોંચાડવાનો છે. રાજુભાઈ સખિયા પણ ખેડૂતનો દીકરો છે, જો તેઓ આગળ રહીને નેતૃત્વ કરવા માંગતા હોય તો અમને કોઈ વાંધો નથી. અમે ખેડૂતોમાં ભાગલા પાડવા નથી માંગતા. આ લડત કોઈ રાજકીય પક્ષની કે વ્યક્તિગત નથી, આ માત્ર ને માત્ર ખેડૂતોના હકની લડાઈ છે અને ખેડૂતો જ્યારે પણ યાદ કરશે, ત્યારે અમે તેમની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત