મુખ્ય સામગ્રી પર જાઓ

કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અંગે ઈસુદાન ગઢવીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂતોની જમીન પર જબરદસ્તીથી થાંભલા અને પવનચક્કીઓ નાખવાના વિવાદમાં તેમણે કંપનીઓ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતો માટે એક થવાની અપીલ અને માગણીઓ વિશે અહીં વાંચો.

કંપની, નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનું શોષણ? ઈસુદાન ગઢવીના પ્રહારો

અમદાવાદ / સુરેન્દ્રનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેડૂતો પર જે રીતે અત્યાચાર કર્યો, એ અસહનીય છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતના પુત્ર તરીકે આવા દ્રશ્યો જોવું પણ મુશ્કેલ બને છે. માત્ર એક ગામ નહીં પરંતુ રાજ્યના અનેક ગામોમાં કંપનીઓ માટે પોલીસ અને તંત્ર ખેડૂતોની જમીનમાં જબરદસ્તીથી થાંભલા અને પવનચક્કીઓ ઉભી કરવા માટે દબાણ કરે છે. તેમણે કહ્યું હતું કે કંપનીઓ ખેડૂતોની જમીનમાંથી કરોડોની કમાણી કરે છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી.

કંપનીઓ કમાય છે, નેતાઓ અને અધિકારીઓ પણ કમાય છે, પરંતુ જે ખેડૂત અસલી માલિક છે તેને માત્ર નાનું વળતર આપીને શાંત કરવામાં આવે છે. ઇસુદાન ગઢવીએ સરકારને અપીલ કરી હતી કે ખેડૂતોને પણ દર વર્ષે કંપનીની આવકમાંથી હિસ્સો મળવો જોઈએ અથવા ગામના ગૌચર અને ખેતીની જમીન માટે નિયમિત વળતર નક્કી થવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો પાક વીમા, ખાતરની લાઈનો, ઉપજ વેચવાની મુશ્કેલીઓ અને સતત મહેનત વચ્ચે પણ સરકારને મત આપે છે, સિસ્ટમમાં ગડબડ હોવા છતાં ખેડૂતોને ન્યાય મળતો નથી. તેમણે કહ્યું હતું કે જો ખેડૂત સમાજ એક થઈ જાય તો સરકારની એક સીટ જીતવાની તાકાત નહીં રહે, પરંતુ ખેડૂતો જાતિ, ધર્મ અને પ્રાંતોમાં વહેંચાઈ જતા હોવાથી સરકારો તેનો ફાયદો ઉઠાવે છે. 

AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છથી લઈને જામનગર અને સુરેન્દ્રનગર સુધી અનેક ગામોમાં ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીનમાં થાંભલા નાખી રહી છે અને ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ભાજપને જીતાડી છે, ત્યાં ભાજપના લોકો થાંભલાઓ નાખી રહ્યા છે, ત્યાં ખેડૂતો પર વધુ અત્યાચાર થઈ રહ્યા છે. તેમણે સરકારને અપીલ કરી હતી કે કચ્છથી જામનગર સુધી જ્યાં જ્યાં વીજ લાઈનો જાય છે, ત્યાં ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ બનાવી સરકાર સાથે બેઠક યોજવામાં આવે અને યોગ્ય વળતર નક્કી કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આત્મહત્યાની સ્થિતિ સુધી પહોંચી ગયા છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે. 

કંપનીઓ કમાય તે અંગે કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોની જમીન પર કામ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ન મળે તે અન્યાય છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો કલેક્ટર કે એસપી પણ ખેડૂતની પરમિશન વગર ખેડૂતના ખેતરમાં ઘૂસી શક્યા ન હોત. અમે એવા નિયમો બનાવત કે કંપનીઓ કમાય એમાંથી અમુક ટકા દર વર્ષે ખેડૂતોને ચૂકવવામાં આવે, તમે આવું બધું નહીં કરી શકો પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર તો આપો. ઇસુદાન ગઢવીએ તમામ પક્ષોના ખેડૂતો, ખેડૂત આગેવાનો અને કિસાન સંગઠનોને અપીલ કે ખેડૂતો માટે એક થઈએ. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો માટે સૌએ અવાજ ઉઠાવવો જોઈએ, સોશિયલ મીડિયા પર ખેડૂતોને સહયોગ આપવો જોઈએ અને ખેડૂતોના હકો માટે સંયુક્ત લડત ચલાવવી જોઈએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ઈસુદાન ગઢવી Isudan Gadhvi Surendranagar Kondh village protest સુરેન્દ્રનગર કોંઢ ગામ વિરોધ Gujarat farmers electricity pole issue આમ આદમી પાર્ટી ગુજરાત ઈસુદાન ગઢવી નિવેદન Isudan Gadhvi statement

સંબંધિત સમાચાર