વડોદરા | મહિલાઓનું સશક્તિકરણ માત્ર આર્થિક સહાય પૂરું પાડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમને પોતાના પગ પર ઊભા રહેવા માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સ્વરોજગારની તક પૂરી પાડવામાં છે. વડોદરામાં કાર્યરત ‘રાધે સખી મંડળ’ આ વિચારને સાકાર કરતું પ્રેરણાદાયી ઉદાહરણ છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સંચાલિત આ સખી મંડળની મહિલાઓ પોતાના કૌશલ્ય અને મહેનતના બળે આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે.
રાધે સખી મંડળનાં પ્રમુખ દર્શનાબેન મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ વંદનાબેન, ચંદ્રિકાબેન, ધારાબેન, વર્ષાબેન, દીપ્તિબેન, હેમાબેન, કાંતાબેન અને પિનલબેન સહિતની મહિલાઓ એકબીજાના સહકારથી સ્વરોજગારની દિશામાં કાર્ય કરી રહી છે. આ મંડળ સાથે જોડાયેલી મહિલાઓ પોતાની આવક થકી ઘરખર્ચમાં યોગદાન આપી રહી છે અને પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ બની છે. આ સફર પાછળ દર્શનાબેન મિસ્ત્રીનો મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો દૃઢ સંકલ્પ રહેલો છે. તેમણે ‘આનંદમ ફાઉન્ડેશન’ની શરૂઆત મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપીને તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાના હેતુથી કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને એવું કૌશલ્ય અને આત્મવિશ્વાસ આપવાનો છે, જેથી તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વિના પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.
દર્શાનાબેનના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર મહિલાઓએ તાલીમ લઇ વિવિધ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યા છે. વ્યાવસાયિક તાલીમ બાદ અનેક મહિલાઓએ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને આર્થિક સ્વતંત્રતા તરફ પગલાં ભર્યાં છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ સુધી પહોંચીને તેમને કૌશલ્ય આધારિત તાલીમ આપવાનું કાર્ય સતત આગળ વધી રહ્યું છે.
સખી મંડળની વિશેષતા એ છે કે અહીં મહિલાઓ માત્ર એકસાથે કામ કરતી નથી, પરંતુ એકબીજાને આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે. સામૂહિક સહકાર, કૌશલ્યનો વિકાસ અને આવક ઊભી કરવાની તક દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે. પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ બનવાની સાથે તેઓ સમાજમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. રાધે સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓ પોતાની આવડત અને સર્જનાત્મકતાના આધારે વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરી સ્વરોજગાર મેળવી રહી છે. તહેવારોને અનુરૂપ સજાવટની વસ્તુઓ, હાથથી બનાવેલ જ્વેલરી, ઋતુ પ્રમાણેના નાસ્તા, અથાણાં, મીઠાઈઓ, રાખડીઓ, ભેટમાં આપી શકાય તેવી સજાવટની વસ્તુઓ, ડેકોરેટિવ મીણબત્તીઓ તેમજ ભરતકામ અને વિવિધ ડિઝાઇનવાળી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ પોતાની કળાને આવકના સાધનમાં પરિવર્તિત કરી રહી છે. તહેવારો અને પ્રસંગોને અનુરૂપ ઉત્પાદનો તૈયાર કરવાની સાથે તેઓ ગ્રાહકોની જરૂરિયાત મુજબ પણ વસ્તુઓ બનાવી શકે છે, જેનાથી તેમની સર્જનાત્મકતાને બજાર મળે છે અને આર્થિક સ્વાવલંબન માટે નવી તકો ઊભી થાય છે.