લિકર કૌભાંડ: અરવિંદ કેજરીવાલ પાંચ સમન્સ પર હાજર ન થવા અંગેની EDની ફરિયાદ પર સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન EDના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કોર્ટ આજે 4 કલાકે પોતાનો ચુકાદો આપશે. તમને જણાવી દઈએ કે EDએ દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કથિત રીતે સમન્સનું પાલન ન કરવા બદલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલની ગેરહાજરીને કારણે, EDએ 3 ફેબ્રુઆરીએ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
કેજરીવાલ શુક્રવારે પણ ED સમક્ષ હાજર થયા ન હતા
તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગના કથિત કેસમાં પૂછપરછ માટે ઈડી દ્વારા જારી કરાયેલા પાંચમા સમન્સ પર પણ સીએમ કેજરીવાલ શુક્રવારે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
આના બે દિવસ પહેલા AAPએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર નહીં થાય. પાર્ટીએ સમન્સને 'ગેરકાયદેસર' ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેજરીવાલની ધરપકડ કરવા માટે વારંવાર નોટિસ મોકલી રહ્યું છે.
AAPએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમની ધરપકડ કરીને દિલ્હીમાં કેજરીવાલની સરકારને તોડી પાડવા માંગે છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આવું થવા દેશે નહીં.
કેજરીવાલે ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા માટેના સમન્સને મુલતવી રાખ્યું છે.


