મુખ્ય સામગ્રી પર જાઓ

મહેસાણા જિલ્લા પંચાયતની નવતર પહેલ: હવે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવશે સીધો 'દ્વારે

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર એક નવતર અભિગમ 'જિલ્લા પંચાયત આપને દ્વાર' કાર્યક્રમનો બહુચરાજીથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લા પંચાયતની નવતર પહેલ: હવે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવશે સીધો 'દ્વારે

ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર 'જિલ્લા પંચાયત આપને દ્વાર' કાર્યક્રમની નવતર પહેલ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનનો પ્રારંભ આજે સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વહીવટીતંત્ર સીધું જ જનતાના દ્વારે પહોંચ્યું હતું, જેમાં અરજદારોને પ્રથમવાર ખુલ્લા મને પોતાના પાયાના પ્રશ્નો રજૂ કરવાનું સચોટ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

બહુચરાજીના અન્નપૂર્ણા ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બહુચરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અરજદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રોડ-રસ્તા, પીવાનું પાણી, બોરવેલ, ગ્રામ પંચાયતમાં તલાટીની હાજરી અને નવીન ગ્રામ પંચાયત ભવન જેવા પાયાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે દરેક રજૂઆતને અત્યંત ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને સ્થળ પર જ હાજર રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નો અંગે ખુલાસા માગ્યા હતા. પ્રમુખશ્રીએ તમામ વહીવટી અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે જનતાના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ લાવવો અને નાગરિકોને બિનજરૂરી હાલાકી ન પડે તેની તકેદારી રાખવી.

 

આ કાર્યક્રમ દરમિયાન લોકહિતના વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં શંખલપુર-કાલરી બાયપાસ પર નહેરને કારણે અટવાયેલા ૨૦૦ મીટરના રસ્તાનું કામ પૂર્ણ કરવા, ડોડીવાડા-આદીવાડાથી ખાંભેલ ચોકડી સુધીના તૂટી ગયેલા રસ્તાને નવો અને પહોળો કરવા તેમજ કનોડા-રણેલા રોડનું અધૂરું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆતો થઈ હતી.

 

આ ઉપરાંત રણેલા ગ્રામ પંચાયતમાં કાયમી તલાટીની નિમણૂક કરવા, નવું પંચાયત ઘર બનાવવા અને આકબા-બરિયફ રોડ નવો બનાવવા જેવી માગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી.

 

ગ્રામજનો દ્વારા સદુથલા ગામે પાણીનો નવો બોર બનાવવા અને રાતેજ-રાજપુરા-દેથલી રેલવે અંડરપાસના કારણે લાંબા સમયથી બંધ પડેલી એસટી બસોની સુવિધા પુનઃ શરૂ કરાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.

 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વહીવટી સેવાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને સ્થાનિક પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે દરેક તાલુકામાં ચીટનીશ દ્વારા એક અલગ મસ્ટર નિભાવવામાં આવશે, જેમાં રજૂ થયેલા પ્રશ્નોની નોંધણી કરી ફોલોઅપ લેવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર મહિને આ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે અને જે પ્રશ્નો રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવતા હશે તેને ઉચ્ચ સ્તરે રજૂ કરી સત્વરે ઉકેલ લાવવાની દિશામાં પગલાં લેવામાં આવશે.

 

કાર્યક્રમની શરૂઆતમાં બહુચરાજી ટીડીઓ જે.જે. ચૌધરીએ આ નવતર અભિગમની રૂપરેખા આપી સૌને માહિતગાર કર્યા હતા. લોક દરબારની સાથે જ આ સ્થળે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન કાર્ડ, આવક અને જાતિના દાખલાના લાભાર્થીઓને અધિકારીઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંચુ વિલ્સન સહિત અગ્રણીઓ કમલેશ દેસાઈ, દેવાંગ પંડ્યા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: જાહેર સેવા જાહેર સેવા ગુજરાત વિકાસ મહેસાણા જિલ્લા પંચાયત સુશાસન જિલ્લા પંચાયત અપને દ્વાર મહેસાણા સમાચાર વહીવટી સુધારણા

સંબંધિત સમાચાર