અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મહેસાણામાં પટેલ સમાજની એક બહેનની હત્યા કરવામાં આવી અને ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, એમને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને એમને પોતાના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. રોજે કોઈને કોઈ બહેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં. કોઈને કોઈ બહેન પીડાઈ રહી છે, કોઈની દીકરી પીડાઈ રહી છે, કેટલાય પરિવારના સ્વપ્નો ચકનાચૂર થઈ રહ્યા છે. આજે મહેસાણાની બહેન સાથે થયું. દુઃખદ વાત તો એ છે કે આવી દિવસેને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ રોજેરોજ તેનો શિકાર બને છે. ત્યારબાદ પોલીસે તેમની ફરિયાદ લેવી જોઈએ, તેમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બહેન જીવતી હતી ત્યાં સુધી તેમની પીડા કોઈને દેખાઈ નહીં. પરંતુ જ્યારે બહેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે તેમની માતા આક્રંદ કરીને પોતાની વેદના વ્યક્ત કરી રહી છે. તેઓ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે છતાં તેમની ફરિયાદ નોંધાતી નથી. આપણે કેવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં કાયદો અને કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી?
’આપ’ નેતા પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતુ કે આજે એ બહેનને ન્યાય અપાવવા માટે સમાજને આગળ આવવું પડે, વિસ્તારને આગળ આવવું પડે, આમ આદમી પાર્ટીના મહિલા નેતાઓ અને સ્થાનિક નેતૃત્વને કેન્ડલ માર્ચ કાઢવો પડે, સરકાર સમક્ષ અરજી કરવી પડે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લે છે. છતાં પણ ક્યાંકને ક્યાંક ગુનેગારોને છાવરવા માટે માત્ર દેખાવ પૂરતી ફરિયાદ લેવામાં આવતી હોય તેવું લાગે છે. આ કયા પ્રકારની પરિસ્થિતિ છે? હું સરકારને અને તેની પોલીસને વિનંતી કરું છું કે આ બહેનની જેને હત્યા કરી છે, જેમણે એને એટલી પીડા આપી છે, આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રમાણેની ફરિયાદ નોંધાવી જોઈએ. એ પ્રમાણેની કલમો પણ ઉમેરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બીજી બહેન કે દીકરી સાથે આવી ઘટના ન બને. બહેનને ન્યાય મળે, એમના પરિવારને ન્યાય મળે. સરકારને એટલી વિનંતી કરું છું કે તમે આજે કડક પગલાં લેશો તો આવનારા સમયમાં બીજી ઘણી બહેનો આ બાબતે સુરક્ષિત રહેશે. અને આ હેવાનો જ્યાં સુધી બહાર ફરતા રહેશે ત્યારે કોઈને કોઈ બહેન કે દીકરી આવા અપરાધનો શિકાર બનતી રહેશે અને જેના કારણે આ દુનિયા છોડવાનો વારો આવતો રહેશે.