મુખ્ય સામગ્રી પર જાઓ

પોઈચા ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ થયો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ ઉમટતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠધામ ખાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય “શ્રાવણોત્સવ” મેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

પોઈચા ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પાંચ દિવસીય શ્રાવણોત્સવનો પ્રારંભ થયો

રાજપીપળા : ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના માન. રાજ્યમંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આજે નીલકંઠધામ, પોઈચા ખાતે પાંચ દિવસીય “શ્રાવણોત્સવ” મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી અંજનાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી (ઈ.ચા.) શ્રીમતી પિનાકિનીબેન ભગોરા તેમજ પોઈચા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ કંપની લિ. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર ઉપલબ્ધ કરાવવા તથા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટતા હોવાથી સખી મંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે હેતુથી નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આ શ્રાવણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૬ થી ૩૦ ઓગષ્ટ-૨૦૨૬ દરમિયાન યોજાનારા આ પાંચ દિવસીય શ્રાવણોત્સવમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હાથવણાટની ચીજવસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, ઘર સુશોભનની વસ્તુઓ, કટલરી સહિતની વિવિધ વસ્તુઓના કુલ ૧૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

ઉદ્ઘાટન બાદ માન. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ મિશન મંગલમ હેઠળ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો સાથે સંવાદ કર્યો હતો. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓની માહિતી મેળવી તેમના વ્યવસાય અને આજીવિકા અંગે પણ જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના પાંચ સખી મંડળોને કેશ ક્રેડિટ લોન અંતર્ગત કુલ રૂ. ૨૯.૫૦ લાખની લોનના ચેક મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ નાણાકીય સહાયથી મહિલા સ્વસહાય જૂથોને પોતાના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવામાં તેમજ આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં મદદ મળશે.

આ પ્રસંગે માન.પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વસહાય જૂથો સાથે જોડાઈને બહેનો આજે પોતાના ઉત્પાદનોનું ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે. પોઈચા જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળે આવા સ્ટોલ ઊભા કરવાથી બહેનોના ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહેશે.

માન.મંત્રીશ્રીએ નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને શ્રાવણોત્સવની મુલાકાત લઈ સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓની ખરીદી કરવા અને “વોકલ ફોર લોકલ”ની ભાવનાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય આજીવિકાને પ્રોત્સાહન આપતા આ શ્રાવણોત્સવથી સખી મંડળોની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સીધું બજાર મળવા સાથે તેમની આવક વધારવા અને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ થઈ છે.

Tags: ગુજરાત સરકાર શ્રાવણ માસ નીલકંઠધામ

સંબંધિત સમાચાર