પવિત્ર અને ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને ચુસ્ત સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ વર્ષે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યભરમાં નીકળનારી તમામ નાની-મોટી રથયાત્રાઓ પર ઝીણવટભરી નજર રાખવા માટે ગાંધીનગર પોલીસ ભવન ખાતે કાર્યરત રાજ્ય કક્ષાનું સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર "નેત્રમ" સંપૂર્ણપણે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા રાજ્યના ખૂણે-ખૂણામાં યોજાતી રથયાત્રાઓના રૂટ પર લાગેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી પળેપળની ગતિવિધિઓ પર બારીક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સુરક્ષા તૈયારીઓના ભાગરૂપે આજે રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે 'નેત્રમ' કમાન્ડ કંટ્રોલ સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સેન્ટરની તકનીકી કાર્યપ્રણાલી અને મોનિટરિંગ સિસ્ટમની સઘન સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન પોલીસ વડાશ્રીએ ફરજ પરના અધિકારીઓ અને 'નેત્રમ'ની ટીમને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી મોનીટરીંગ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સુરક્ષાને લગતા અત્યંત મહત્ત્વના સૂચનો આપ્યા હતા.
ગુજરાત પોલીસ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ટેક્નોલોજી આધારિત આ ચુસ્ત બંદોબસ્તને કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રાનો ઉત્સવ હર્ષોલ્લાસ અને ભયમુક્ત વાતાવરણમાં ઉજવાશે.