મુખ્ય સામગ્રી પર જાઓ

૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન

અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશ ઝાના હસ્તે સુશ્રી વર્ષા સી. જોશી 'અશ્ક' ની પાંચ નવલકથાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય જગતના અનેક દિગ્ગજો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન

અમદાવાદ  : જે પી ગ્રુપના નવસર્જન પ્રકાશન દ્વારા મુદ્રિત સુશ્રી વર્ષા સી જોશી `અશ્ક` ની એક સાથે પાંચ નવલકથાઓ શતરંજ, મિસિંગ ભાગ ૧ અને ૨ ,ષડયંત્ર, સ્નેહ સરિતા, હાઇજેક ભાગ ૧ અને ૨ નું વિમોચન આજરોજ AMA ખાતે સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશ ઝા (રીટાયર્ડ IAS ) ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલના પૂર્વ આચાર્યશ્રી ડો પ્રભુદાસ પટેલ, લોકપ્રિય કલાકાર શ્રી અર્ચન ત્રિવેદી, મિશન હેલ્થ ફિઝિયોથેરાપીના ફાઉન્ડર-ડિરેક્ટર ડો આલાપ શાહ તેમજ AMAના શ્રી ઉન્મેષ દીક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સુશ્રી વર્ષાબેનની દિકરી ધારા - જમાઈ દિપેશકુમાર શેઠે જે પી ગ્રુપના ચેરમેન શ્રી જયેશભાઇ શાહનો પુસ્તક પ્રકાશન કરવા બદલ ખાસ આભાર માન્યો હતો. નાનીમાની આ સિદ્ધિ માટે તેમની દોહીત્રીઓ દ્વિજા તથા સ્વરા તેમના માટે ગર્વ અનુભવી રહ્યા છે.

 

શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીની અને શિક્ષિકા સુશ્રી વર્ષા સી જોશીએ ૩૫ વર્ષની શિક્ષિકા તરીકેની કારકિર્દી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ૬૫ વર્ષની ઉંમરે વર્ષ ૨૦૨૦માં પ્રતિલિપિ એપ ઉપર લખવાનું ચાલુ કર્યું જેમાં તેઓએ અત્યાર સુધીમાં ૪૧ નવલકથાઓ અને ૨૩ વાર્તા સંગ્રહો લખીને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે નવી કારકિર્દીની કેડી કંડારી છે. જેમાંની પાંચ નવલકથાઓ - શતરંજ, મિસિંગ ભાગ ૧ અને ૨ ,ષડયંત્ર, સ્નેહ સરિતા, હાઇજેક ભાગ ૧ અને ૨ આજે પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી છે.

 

સુ શ્રી વર્ષા સી જોશીને પ્રતિલિપિ દ્વારા સુપર રાઇટર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. તેઓનો એમ.ફીલ નો લઘુ નિબંધ શ્રી પન્નાલાલ પટેલ ની ગ્રામ્યલક્ષી નવલકથાઓ ઉપર આધારિત હતો. તેઓ તળપદી ગુજરાતીમાં પણ વાર્તાઓ લખેલ છે જેને ઓનલાઈન ખુબ સારો પ્રતિસાદ મળેલ છે. તેમના સાહિત્યસર્જનને પ્રતિલિપિ પર અત્યાર સુધીમાં ૩૫ લાખથી વધુ વાચકોનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો છે, જ્યારે તેમના ૪,૫૦૦થી વધુ ફોલોઅર્સ તેમની સર્જનયાત્રા સાથે સતત જોડાયેલા છે. તેમની સર્જન યાત્રા આજે પણ અવિરત ચાલુ જ છે. તેમની વિશેષતા એ છે કે તેઓ રોજ ઓછા માં ઓછી બે વાર્તા ઓનલાઈન લખતા હોય છે. આ ઉપરાંત તેઓ સામાન્યરીતે એક સાથે ઓનલાઈન ત્રણ નવલકથાઓ લખી રહ્યા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે રીટાયરમેન્ટ પછી શું કરીશ એનો જવાબ એમની દોહિત્રી દ્વિજાએ એટલો સરસ આપ્યો કે તેમની જિંદગી બદલાઈ ગઈ છે અને તેઓ સાહિત્યમય થઇ ગયા છે.

 

કાર્યક્રમના અંતે વક્તાઓએ સુશ્રી વર્ષા સી. જોશીની અદમ્ય સર્જનશક્તિ, સાહિત્ય પ્રત્યેની નિષ્ઠા અને નિવૃત્તિ બાદ પણ સતત સર્જન કરતા રહેવાની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે વર્ષા સી. જોશીની જીવનયાત્રાએ સાબિત કરે છે કે સપનાઓને સાકાર કરવા માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. કાર્યક્રમના અંતે સૌએ તેમના આગામી સાહિત્યસર્જન માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાતી સાહિત્યને તેઓ તરફથી હજુ અનેક ઉત્તમ કૃતિઓ મળતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Tags: Inspirational literary journey Gujarati Pratilipi super writer award Gujarati novels launch Ahmedabad Varsha C Joshi Ashk Gujarati writer અમદાવાદ સાહિત્ય સમારોહ સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય વર્ષા સી. જોશી 'અશ્ક' પ્રતિલિપિ નવલકથા વિમોચન લેખિકા સાહિત્યિક પ્રવાસ

સંબંધિત સમાચાર