અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે કોઈપણ મહાન રાષ્ટ્રનું નિર્માણ તેની શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હોય છે. જો મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો તેની શિક્ષણ વ્યવસ્થા સૌથી સારી હોવી જરૂરી છે. આજે પંજાબમાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગે પંજાબને દેશનું નંબર-1 શિક્ષણ ક્ષેત્રે વિકાસ પામતું અને નંબર-1 શિક્ષણ આપતું રાજ્ય જાહેર કર્યું છે. એક તરફ પેપર લીક થતાં રહે છે, વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને શિક્ષણનું સ્તર ઘટતું જઈ રહ્યું છે, ત્યારે પંજાબ આ દેશ માટે એક સારો સંદેશ આપી રહ્યું છે. પંજાબ સરકારના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસને અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું કે દિલ્હી પછી ફરી એકવાર પંજાબમાં આપણને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કામ જોવા મળ્યું છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે શિક્ષણ ક્ષેત્રે જે કામ થવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે, તે જો પંજાબ કરી શકે તો ગુજરાત કેમ નહીં? હું ગુજરાતની અંદર બેઠેલી સરકારને પણ કહેવા માંગુ છું કે ગુજરાતની સરકારી શાળાઓને સારી કેમ બનાવી શકાતી નથી? શિક્ષણનું સ્તર કેમ ઊંચું લઈ જવાતું નથી? ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થાને દુરસ્ત કેમ બનાવી શકાતી નથી? જો પંજાબ કરી શકે તો ગુજરાત પણ કરી શકે. આવો, આપણે સૌ સાથે મળીને દેશના નિર્માણ માટે શિક્ષણને, શિક્ષણના રિફોર્મ્સને અને શિક્ષણના વિકાસને મહત્વ આપીએ. પંજાબના તમામ લોકોને અભિનંદન, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન અને આ કામ દેશના તમામ રાજ્યોમાં થાય એવી આશા.
આમ આદમી પાર્ટી ગુજરાત