મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ ૯ તાલુકાઓ સહિત રાજ્યભરના ૨૪૬ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૩ ઊજવાયો. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૩ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે રાજ્યમાં ખેતી કનિષ્ઠ બની હતી. ખેડૂતો ખેતી છોડી રહ્યા હતા. આવા કપરાં સમયે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવો અને કૃષિ મેળાઓ યોજવાની શરૂઆત કરી હતી. લેબ ટુ લેન્ડના અભિગમ સાથે કૃષિ સંશોધનોને ખરા અર્થમાં જમીન પર લાવવા અને તેનો મહત્તમ લાભ ખેડૂતોને પહોંચાડવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૦૫થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. ૧૫ જેટલા કૃષિ મહોત્સવોમાં ૨ કરોડ જેટલાં ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું છે અને કૃષિ ક્ષેત્રે પછાત ગણાતું ગુજરાત ડબલ ડિજિટ ગ્રોથ મેળવવામાં સફળ થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે વધુમાં વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવા અને સુશાસનના મંત્ર સાથે ગરીબ, પીડિત,વંચિત અને ખેડૂતોના હિતની અને વિકાસની ચિંતા કરી. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સમયને અનુરૂપ આધુનિક ખેતી તરફ વાળવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. દેશના કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.