વડોદરા : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લામાં સતત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિત લાભાર્થીઓને આવરી રહી છે.
વડોદરા જિલ્લામાં તા. ૩૦ નવેમ્બરથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધીમાં કુલ ૨૦૪ ગામોમાં સફળ પરિભ્રમણ કરી ચૂકી છે. તા. ૧૪ ડિસેમ્બરે એટલે કે આજે આ યાત્રા આઠેય તાલુકાના ૧૬ ગામમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં રથો તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરી રહ્યાં છે, જે અંતર્ગત આજે કરજણ તાલુકાના ધાવટ, કુરાલી; શિનોર તાલુકાના સુરાશામળ, મિઢોળ; સાવલી તાલુકાના ભાટપુરા (સા), રાધનપુરા; ડેસર તાલુકાના મોટી વરણોલી, માણેકલા જૂથ; ડભોઈ તાલુકાના પુડા, ગોજાલી; વાઘોડીયા તાલુકાના જેસીગપુરા, બાકરોલ; પાદરા તાલુકાના ભદારી, અંબાડા તેમજ વડોદરા તાલુકાના અંકોડીયા, કરચીયા ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે.
મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના પ્રત્યેક લાભાર્થી સુધી સરકારની જનહિતકારી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થઇ રહ્યા છે. જનસેવાનું માધ્યમ બની ચૂકેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું વડોદરા જિલ્લામાં ગામેગામ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે.