અમદાવાદ : આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, મેં સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો જોયો, જેમાં વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સામાન્ય જનતા સાથે એવી રીતે વાત કરી રહ્યા છે કે, 'પાણી કાઢવાનું મશીન નહીં આવે, જાવ જે થાય એ કરી લો.' સામાન્ય જનતા જ્યારે સુરતના પૂરમાં પરેશાન હતી, ત્યારે એક નાગરિક એમને એવું કહે છે કે, અહીંયા હોસ્પિટલ છે, જેની અંદર સાત-આઠ ગર્ભવતી મહિલાઓ અને બીજા હાર્ટના પેશન્ટો છે. હોસ્પિટલની અંદર પાવર પણ નથી, જો બેઝમેન્ટમાંથી પાણી બહાર ખેંચી લેવામાં આવે તો ટોરેન્ટ પાવર દ્વારા અમે વીજળીની વ્યવસ્થા કરાવી લઈશું. હોસ્પિટલની અંદર રહેલા દર્દીઓને કેવી મેડિકલ સુવિધાઓની જરૂર હોય અને તેમની પરિસ્થિતિ કેવી હોય, તે આપણે સમજી શકીએ છીએ. પણ ભૂતકાળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલા અને ચાર ચોપડી ભણેલા આ ધારાસભ્યને એમાં શું ખબર પડે? આ ધારાસભ્ય ભૂતકાળમાં પણ જનતા પર રોફ જમાવતા દેખાયા છે. જ્યારે કોરોના જેવી ગંભીર બીમારી આખા વિશ્વમાં પથરાઈ ગઈ હતી, ત્યારે પણ કુમાર કાનાણી એવા તોછડા જવાબો આપતા હતા કે, 'ઓક્સિજન અને ઇન્જેક્શન તો હું પણ શોધી રહ્યો છું.' આજે જ્યારે સામાન્ય માણસ એમ કહે છે કે અમને પાણી નિકાલનું મશીન આપો, ત્યારે તેઓ કહે છે કે મશીન નહીં આવે, જાવ જે થાય એ કરી લો. ચૂંટણી સમયે લોકોના ઘરે અને સોસાયટીઓમાં જવાનો તેમની પાસે સમય હોય છે, પણ જનતાના દુઃખ અને પીડાના દિવસોમાં ઊભા રહેવાનો આ ધારાસભ્ય પાસે સમય નથી. મારી વરાછા વિધાનસભાના તમામ મતદાર ભાઈ-બહેનોને અપીલ છે કે આવા માણસને હવે ઓળખો. છાશવારે લોકો પર રોફ જમાવવાનું અને દાદાગીરી કરવાનું જેમનું કામ છે, તેવા ધારાસભ્યને ઓળખી આગામી ચૂંટણીમાં બરાબરનો જવાબ આપવો પડશે.
’આપ’ નેતા રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે લોકોને તેમના નેતાની જરૂર તકલીફના સમયે હોય છે, પરંતુ આ ભાઈ મુશ્કેલીમાં લોકોની વચ્ચે જવા માંગતા નથી. તેઓ ફોન પર લોકો સાથે ગમે તેવું વર્તન કરે છે અને દાદાગીરી કરે છે. એનું મૂળ કારણ એટલું જ છે કે ઓછું ભણેલા લોકો સત્તા પર બેસી ગયા છે અને સત્તાનો નશો તેમના માથા પર સવાર થઈ ગયો છે. કુમારભાઈ કાનાણીને મારે કહેવું છે કે, તમે આમ તો જ્યારે જુઓ ત્યારે તંત્રનો વાંક કાઢવા માટે પ્રખ્યાત થઈ ગયા છો અને લેટર લખવાના સ્પેશિયાલિસ્ટ બની ગયા છો. તમે તંત્ર પર ઠીકરું ફોડી દો છો, પણ તમે તમારી નબળાઈની વાત દુનિયા સામે ક્યારે કરશો? તમે ધારાસભ્ય છો, જો સુરતની અંદર અધિકારીઓ તમારું ન સાંભળતા હોય તો તમે તમારી જ સરકારમાં એટલે કે વિધાનસભામાં આની રજૂઆત કેમ ન કરી? અને જો રજૂઆત કરી હોય, તો કેમ અત્યાર સુધી એક પણ ભ્રષ્ટ કે નિષ્ક્રિય અધિકારીને નોકરીમાંથી કાયમી ધોરણે હટાવવામાં આવ્યા નથી? એનો સીધો મતબલ એ છે કે તમે અધિકારીઓ પાસેથી કામ લઈ શકતા નથી અને જ્યારે કોઈ અનર્થ કે આફત આવે ત્યારે અધિકારીઓ પર ઠીકરૂં ફોડીને પોતે બચી જાઓ છો. લોકોને એવું લાગે કે ધારાસભ્ય તંત્ર સામે બોલે છે, પણ તંત્ર ચલાવનારા અધિકારીઓ તો સરકારના નિયમોનું પાલન કરનારા અમલદારો છે; એ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાનું કામ જનતાએ તમને આપ્યું છે. ધારાસભ્ય તરીકે તમે લોકો સાથે જે વર્તન કરી રહ્યા છો તે બિલકુલ અયોગ્ય છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું. વરાછાના સૌ મતદારોને મારે કહેવું છે કે ભાજપના નેતાઓને આટલા વર્ષોની સત્તાનો નશો મગજ પર સવાર થઈ ગયો છે, એટલે તેઓ ગમે ત્યારે ગમે તેની સાથે દાદાગીરીભર્યું વર્તન કરે છે. આવા નેતાઓથી દૂર થઈશું, તો જ આપણા પરિવારની સુરક્ષા અને સમસ્યાઓનું સમાધાન કરી શકીશું. જો મારી આ વાત આપના આત્મા સુધી પહોંચે, તો આપ સૌને ઈશ્વર યોગ્ય નિર્ણય કરવાની પ્રેરણા આપે તેવી પ્રાર્થના.
આમ આદમી પાર્ટી ગુજરાત