આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજલાઇનના મુદ્દે શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છે. તે સમયે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કરે છે, ખેડૂતો સાથે દમનકારી વર્તન કરે છે અને તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે. ખેડૂતો જે તાળાબંધી કરે છે, તેમાં જો કોઈ તાળા તોડે તો પોલીસની ફરજ બને છે કે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરે, પરંતુ અહીં તો પોલીસ પોતે જ તાળા તોડી રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાની ફરજ અને કામગીરી કરવાની પદ્ધતિથી વિમુખ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ ખેડૂતોના ખેતરમાં જો ભૂમાફિયાઓ કબજો કરે તો ખેડૂતોની મદદ માટે બે પોલીસકર્મી પણ પહોંચતા નથી, પરંતુ વીજ કંપની ફોન કરે એટલે પોલીસના ટોળાં તાત્કાલિક પહોંચી જાય છે. જ્યારે ખેડૂતો પર અત્યાચાર થાય, દમન થાય અથવા કાયદો અને વ્યવસ્થાનો ભંગ થાય ત્યારે ખેડૂતો પોલીસને ફોન કરે છતાં પોલીસ પહોંચી નથી. બીજી તરફ ખેડૂતોના વિરોધમાં પોલીસ તાત્કાલિક ઉતરી આવે છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય લૂંટ થાય, દીકરીઓ પર અત્યાચાર થાય, ડ્રગ્સ અને દારૂનું વેચાણ થાય ત્યારે પૂરતી કાર્યવાહી થતી નથી.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં અનેક જગ્યાએ લૂંટ, દીકરીઓ પર અત્યાચાર, ડ્રગ્સ અને દારૂના વેપાર જેવી ગંભીર ઘટનાઓ બને છે, છતાં જાગૃત નાગરિકો પોલીસને જાણ કરે ત્યારે પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. બીજી તરફ વીજ કંપનીઓના હિતમાં તરત જ પોલીસ કાર્યવાહી કરે છે, જે અસમાનતા દર્શાવે છે. આ બાબતે સરકાર અને પોલીસ પ્રત્યે લોકોમાં અસંતોષ અને વિરોધની લાગણી વધી રહી છે. પ્રવીણ રામે સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વાસન આપતાં જણાવ્યું કે તેમની લડતમાં આમ આદમી પાર્ટી સંપૂર્ણ સમર્થન સાથે ઉભી છે. આવનારા દિવસોમાં ખેડૂતો સાથે ચર્ચા કરીને જે સ્તરે લડત લડવાની જરૂર પડશે તે લડત લડવા માટે તેઓ સંપૂર્ણ તૈયાર છે. ખેડૂત નેતા તરીકે તેમણે સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે તેમની ન્યાયની લડતમાં તેઓ સતત સાથે રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત