અમદાવાદ/સુરત/ગુજરાત : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની ઉપસ્થિતિમાં સુરતમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા હતા અને ઉમળકાભેર સમર્થન આપીને આમ આદમી પાર્ટીને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોડ શો બાદ વરાછાના ચોક્સી બજારમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. સભાને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે લોકોનો ઉત્સાહ જોઈને તેઓ ખૂબ ભાવુક થયા છે. તેમણે વડીલોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે કોઈપણ કામ હોય સભા કરવી હોય, શહેર બનાવવું હોય કે દેશ બનાવવો હોય તે માટે સૌથી જરૂરી બાબત આયોજન છે. આયોજન વગર કોઈપણ કાર્ય સફળ બની શકતું નથી. પરંતુ ભાજપ સરકાર પાસે લોકોના જીવન અને રોજગાર માટે કોઈ યોગ્ય આયોજન નથી.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે સુરતના વેપાર અને ઉદ્યોગ સાથે સરકાર માત્ર દેખાવની રાજનીતિ કરી રહી છે. તેમણે ડાયમંડ બુર્સનું ઉદાહરણ આપતાં કહ્યું કે હજારો કરોડનું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું, પરંતુ નાના-મોટા વેપારીઓની સલાહ લેવામાં આવી નહીં, યોગ્ય પ્લાનિંગ થયું નહીં અને આજે વેપારીઓને ધમકીઓ આપીને ત્યાં ધંધો ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો ડાયમંડ ઉદ્યોગને સુરતમાં મજબૂત બનાવવો હોય તો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, ફાઇવ સ્ટાર હોટલો, જ્વેલરી ઉદ્યોગ માટે સુવિધાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી જરૂરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ અંગે તેમણે જણાવ્યું કે હજારો વેપારીઓ છેતરપિંડી, ખોટા ચેક અને માલ લઈને ભાગી જવાના બનાવોથી પરેશાન છે, છતાં ભાજપ સરકાર પાસે કોઈ ઉકેલ નથી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરે છે અને સુરત તથા ગુજરાતના વેપારીઓ, શ્રમિકો અને સામાન્ય લોકોના પ્રશ્નો માટે સતત લડતી રહેશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે તેઓ જનતાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. તેમણે જણાવ્યું કે હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ભારતીય જનતા પાર્ટીનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે અને બીજી તરફ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમો થાય છે ત્યાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમર્થન આપી રહ્યા છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અંતિમ દિવસે સીધા લોકો વચ્ચે જઈ આશીર્વાદ લેવામાં આવે. તેમણે ખાસ કરીને હીરા બજારના વેપારીઓને સંબોધતા કહ્યું કે, તમે જે પાર્ટીને ઉગાળી છે, એ પાર્ટીને હવે મોટી કરવાની જવાબદારી તમારી છે. પાંચ વર્ષ પહેલાં તમે અમને વિપક્ષ બનાવ્યા હતા, આ વખતે અમને સત્તામાં પહોંચાડો. અમે એવા કામ કરી બતાવીશું કે ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓ સાથે આમ આદમી પાર્ટીના કામોની સરખામણી થશે. તેમણે વધુમાં કહ્યું કે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે, તેથી દરેક કાર્યકર અને સમર્થકે પોતાના વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીનો સંદેશ લોકો સુધી પહોંચાડવો જોઈએ.
આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે આ વખતની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ચૂંટણીથી નક્કી થવાનું છે કે ગુજરાતની રાજનીતિ કઈ દિશામાં જશે. રાજનીતિ થોડા ચંદ લોકોના હાથમાં રહેશે કે સામાન્ય ઘરમાંથી આવેલો ગોપાલ ઇટાલિયા ગુજરાતની રાજનીતિ ચલાવશે, એ નક્કી કરવાની જવાબદારી તમારી છે.તેમણે કહ્યું કે ગુજરાતે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ગાંધી અને સરદાર જેવા નેતાઓ આપ્યા છે, અને હવે ત્રીસ વર્ષના શાસન અને ગુલામીનો અંત લાવવા માટે ગુજરાતની ગલી-ગલીમાંથી ગોપાલ ઇટાલિયા ઉભા કરવાની જરૂર છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ કામની વાત નથી કરતી, માત્ર ભ્રમ ફેલાવતી રાજનીતિ કરે છે, જ્યારે આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરે છે. તેમણે વરાછાની ખાડી, લિંબાયતની ખાડી અને દર વર્ષે પૂર જેવી સમસ્યાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભાજપ પાસે લોકોના પ્રશ્નોના ઉકેલ નથી. તેમણે જનતાને આશીર્વાદ આપવા અને સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવારોને જીતાડવા અપીલ કરી.
આમ આદમી પાર્ટી ગુજરાત


