મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નવાગામની મહિલાઓએ પાણી મુદ્દે અધિકારીઓને ઘેરી લીધા.ચોમાસે પાણી ની તંગી તંત્ર ની બેદરકારી

નયનરમ્ય સાપુતારાથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા નવાગામના અનોખા ગામમાં કટોકટી સર્જાઈ છે. ચોમાસાની ઋતુમાં પાણીની તીવ્ર તંગીનો સામનો કરતા નવાગામની સ્થિતિસ્થાપક મહિલાઓએ મામલો પોતાના હાથમાં લીધો હતો.

નવાગામની મહિલાઓએ પાણી મુદ્દે અધિકારીઓને ઘેરી લીધા.ચોમાસે પાણી ની તંગી તંત્ર ની બેદરકારી

નવાગામ: વિસ્થાપિત થઈ નવાગામમાં વસેલા લોકોએ સાપુતારા માટે સુખ જોયું, પણ સાપુતારાના વિકાસ માટે આજે દુ:ખના દિવસો ગણવાના દિવસો આવી ગયા છે. ભરચોમાસે પાણી માટે ડુંગરો ખૂંદી મહારાષ્ટ્રના ઝરણાંમાંથી પાણી પીવાના દિવસો આવતાં સોશિયલ મીડિયા ઉપર ભારે ટીકા થઈ ગઈ છે. અખબારી અહેવાલો બાદ તંત્ર પણ ઓચિંતું જાગ્યું હતું. અને આ વાત છેક સરકારના કાને પડતાં મંત્રીઓને સમસ્યાનો હલ કરવા આદેશ કરી દીધો હતો. મંગળવારે વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓ નવાગામના અષ્ટવિનાયક  મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ અધિકારીઓને ઘેરી લીધા હતા. મહિલાઓએ અધિકારીઓનો રીતસર ઉધડો લીધો હતો. આક્રોશ જોઈ અધિકારીઓએ તેમને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મુદ્દો આજનો નથી વર્ષોનો છે એમ કહી મહિલાઓએ પણ અધિકારીઓને રોકડું પરખાવી દીધું હતું.

સાપુતારાથી બે કિમીના અંતરે આવેલા નવાગામના લોકો પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે હવે લડાયક મૂડમાં આવી ગયા છે. આ ગામમાં વાસ્મો અને પાણી પુરવઠાના નામે બે યોજના તો છે, પણ આ બંને યોજના સાવ નિષ્ફળ પૂરવાર થઈ છે. ધણી વગરના ઢોર જેવી કામગીરીને કારણે ક્યારે પીવાનું પાણી નસીબ થાય તો ક્યારેક ગ્રામજનોને ડુંગરો ખૂંદવાની નોબત આવે છે. ચોમાસામાં તો દિવસો નીકળી પણ જાય, પણ શિયાળો અને ઉનાળામાં આગ ઓકતી ગરમી વચ્ચે લોકોની શું દશા થતી હશે એ હાલની સમસ્યા પરથી જ ફલિત થાય છે. 

વાસ્મો દ્વારા નળ કનેક્શન મારફતે પાણી પૂરું પડાય છે. તો સાપુતારાના પાણી પૂરવઠા વિભાગ દ્વારા ઋતુંભરા શાળા પાસે 40 હજાર લીટરના સમ્પમાં પાણી નાંખી દેવામાં આવે છે. અને એ ફક્ત ટાંકીમાં નાંખવા પૂરતી જ પાણી પૂરવઠાના અધિકારીઓ જવાબદારી લીધી હતી. જો કે, નવાગામનું તળાવ ઊભરાતા વાસ્મોની પાણી વિતરણ કરતી મોટર બળી ગઈ હતી. જેને કારણે નલ સે જલ બંધ થઈ ગયું હતું, તો પાણી પૂરવઠાની ટાંકીમાંથી પણ પાણી અદૃશ્ય થઈ જતાં લોકોમાં લાવા ભભૂકી ઊઠ્યો હતો. જેને કારણે ઉપલું ફળિયું, નીચલું ફળિયું અને પહેલું ફળિયું પાણીથી વંચિત રહેતાં ગ્રામજનોએ સાપુતારાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. એ સાથે શનિ અને રવિવારે જ સાપુતારાના સ્વાગત સર્કલ ખાતે બેડાં લઈ વિરોધ કરવાનો બૂંગ્યો ફૂંક્યો હતો. 

આ ઘટનાના અખબારી અહેવાલો પ્રકાશિત થતાં અને સોશિયલ મીડિયા ઉપર પણ પાણી મુદ્દે તંત્રના છાજિયા લેવાતાં વાત સરકારના કાન સુધી પહોંચી ગઈ હતી. આ સમસ્યા વળવું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં સરકારે ડાંગ જિલ્લા પ્રભારીએ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાંવીત અને મહામંત્રી હરિરામભાઈ સાવંતને તાકીદે નવાગામ દોડાવ્યા હતા. તંત્રના કહેવાથી નવાગામના અષ્ટવિનાયક  મંદિરે તાકીદની બેઠક ગોઠવાઈ હતી. જ્યાં નવાગામના લોકો પણ જાણે ટાંપીને બેઠા હોય એ રીતે અધિકારીઓને ઘેરી લીધા હતા. મિટિંગમાં અધિકારીઓનો એક પણ આશ્વાસનરૂપ શબ્દ જાણે સાંભળવો જ ન હોય એ રીતે મહિલાઓે બળાપો કાઢતાં કહ્યું હતું કે, સાહેબ, પાણી બાબતે અમને તરસે મરવું પડે એવા દિવસે જોવાના આવ્યા છે. 

આજ સુધી અમે વિરોધ નથી કર્યો, પણ અમારે ક્યાં સુધી ડુંગરે ડુંગરે ભટકવાનું. આ આજનો પ્રશ્ન નથી. તમે તો બે સારા બોલ બોલીને ચાલ્યા જશો. મરવાના દિવસો જોવા પડે એ વ્યાજબી નથી. અમે સાપુતારાના વિકાસ માટે શું નથી કર્યુ, બાપ-દાદાની જમીન પણ આપી દીધી. અમને આવા હાલ પર છોડવાનો કોઈ અધિકાર નથી. અધિકારીઓ પણ મહિલાઓનો આક્રોશ પામી ગયા હતા, એ જોતાં ગામના બે-ત્રણ આગેવાને અધિકારીઓને રજૂઆત સાંભળવા કહેતાં મહિલાઓ થોડી શાંત પડી હતી. 

વાસ્મો અને પાણી પુરવઠાના અધિકારીઓએ સમસ્યાનો હલ  3 દિવસમાં આવી જશે એવી ભાજપ અગ્રણીઓની સામે જ ખાતરી આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, હાલમાં નવાગામનું તળાવ પાણીથી છલોછલ છે. ને આ તળાવમાં પાણીનો બોર કરેલો છે. વાસ્મોના પાણીની મોટર બળીને ડૂબી ગઈ હોવાથી નીકળી શકે એમ નથી. એ માટે 5થી 6 ફૂટ પાણી ખાલી કરવું પડશે. આ કામ માટે બે દિવસ લાગી જશે. લગભગ બે કલાક સુધી અધિકારીઓ, ભાજપ આગેવાનો અને ગ્રામજનો વચ્ચે મિટિંગ ચાલી હતી. 

જો કે, અધિકારીઓએ આશ્વાસન તો આપ્યું છે. પણ આ સમસ્યાનો હલ નહીં આવે તો નવાગામના લોકો શનિ અને રવિવારે અગાઉ આપેલા એલાન મુજબ સાપુતારા સ્વાગત સર્કલ પાસે બેડાં સાથે આંદોલન કરવા મક્કમ છે.

ગામની વસતી કેટલી છે એ પ્રમાણે સરકારને એસ્ટિમેન્ટ રજૂ કરીશું: કિશોરભાઈ ગાંવીત

આ બાબતે કિશોરભાઈ ગાંવીતે જણાવ્યું હતું કે, અમે લોકોની રજૂઆત સાંભળી છે. ગામની વસતી કેટલી છે એ પ્રમાણે સરકારને એસ્ટિમેન્ટ રજૂ કરી ગ્રાન્ટની રજૂઆત કરાશે.

હવેથી તમે જ નવાગામ સુધી પાણી પહોંચાડજો

અત્યાર સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા ફક્ત ઋતુંભરા સ્કૂલ સુધી 40 હજાર લીટરના સમ્પમાં પાણી ઠાલવી દેવાતું હતું. જ્યાંથી ગ્રામજનોની કમિટી પાણી વિતરણની વ્યવસ્થા કરી લેતી હતી. પરંતુ લોકોએ કહી દીધું હતું કે, હવેથી તમે જ નવાગામ સુધી પાણી પહોંચાડજો. અમને તમારો જેટલો ટેક્નિકલ અનુભવ નથી. અધિકારીઓએ પણ હામી ભરી હતી.

પહેલા ફળિયામાં સવારે, નીચલા ફળિયામાં સાંજે પાણી વિતરણ થશે

નવાગામની વસતી 1700 જેટલી છે. આ વસતીને પાણી પૂરો પાડતો સમ્પ પણ હવે નાનો પડી રહ્યો છે. જેને કારણે આગામી દિવસોમાં મોટો સમ્પ બનાવાય એ પ્રમાણેનું પ્લાનિંગ હાથ ધરાશે. જે 2 લાખના બદલે 4 લાખ લીટરનો બનાવાય તો સમસ્યા ઉકેલાઈ શકે છે. આ બેઠકમાં પાણી વિતરણની વ્યવસ્થા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પહેલા ફળિયામાં સવારે અને નીચલા ફળિયામાં સાંજે પાણી વિતરણ કરવામાં આવશે.

fashion

સંબંધિત સમાચાર

travel