અમદાવાદ : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ અધ્યક્ષ ધાર્મિક માથુકિયાએ NEET પરીક્ષા રદ મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક પ્રવેશ માટે લેવામાં આવેલી NEET પરીક્ષા આજે પેપર લીકના કારણે રદ કરવાની નોબત આવી છે. ગુજરાતભરમાંથી લગભગ 30 હજાર વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આજે માત્ર વિદ્યાર્થીઓના નહીં પરંતુ તેમના પરિવારોના સપનાઓ પણ તૂટી ગયા છે. વિદ્યાર્થીઓએ દિવસ-રાત મહેનત કરી, પોતાના સુખોનો ત્યાગ કર્યો અને પરિવારોએ પણ ભારે ખર્ચ કરીને બાળકોને ભણાવ્યા, છતાં સરકાર અને ભ્રષ્ટ તંત્રની બેદરકારીના કારણે આજે આ સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાત અને ભારતનો વિદ્યાર્થી વર્ગ આજે ભારે નિરાશામાં છે.
આપ નેતા ધાર્મિક માથુકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ પણ અનેક પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે અને NEETનું પેપર પણ 2017, 2021, 2024 બાદ હવે 2026માં ફરી લીક થયું છે. એક-બે વખત ભૂલ ગણાય, પરંતુ વારંવાર આવું થવું એ સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર અને પરીક્ષા તંત્રમાં મિલીભગત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે પ્રધાનમંત્રી સમગ્ર દેશના વિદ્યાર્થીઓની જાહેરમાં માફી માગે, પેપર લીક કૌભાંડમાં સામેલ તમામ લોકોને જાહેરમાં કડક સજા આપવામાં આવે અને જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. આવનારા સમયમાં યોજાનારી તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાય તે માટે મજબૂત સિસ્ટમ ગોઠવવી જરૂરી છે. જો સરકારથી યોગ્ય રીતે પરીક્ષાઓ લેવાતી ન હોય તો પરીક્ષા વ્યવસ્થા શિક્ષિત અને નિષ્ઠાવાન લોકોને સોંપવી જોઈએ. વિદ્યાર્થીઓના હિત માટે આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં આંદોલન કરશે અને વિદ્યાર્થીઓને પોતાના હક માટે અવાજ ઉઠાવવાની અપીલ કરે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત