અમદાવાદ | આમ આદમી પાર્ટીના ખંભાળિયા વિધાનસભા સંગઠન મંત્રી આલાભાઈ જામે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના પાર્ટ-1 બાદ, હવે પાર્ટ-2 ની જાહેરાત મુજબ આગામી તા. 09 સપ્ટેમ્બરથી જિલ્લાના દરેક ગામમાં ખેડૂતો માટે "દુષ્કાળગ્રસ્ત ખેડૂતની અરજી"નું ફોર્મ ભરાવવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન AAP પ્રદેશ પ્રમુખ તથા ખેડૂત નેતા ઈસુદાનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવશે. જિલ્લામાં વરસાદના અભાવે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે ખેડૂતોના હક અને અધિકાર માટે હવે દરેક ગામડેથી અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
AAP નેતા આલાભાઈ જામે વધુમાં જણાવ્યું હતું કે, આ અરજી ફોર્મ દ્વારા ખેડૂતોની મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે, પ્રથમ માંગ છે કે વરસાદના અભાવે અસરગ્રસ્ત તમામ વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા. બીજી માંગ - ખેડૂતોને થયેલા ખેતી ખર્ચનું યોગ્ય વળતર / સહાય આપવી. ત્રીજી માંગ - પશુધન માટે પૂરતો અને નિયમિત ઘાસચારો ઉપલબ્ધ કરાવવો. ચોથી માંગ મુજબ ગ્રામજનો તેમજ પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી. અન્ય મહત્વપૂર્ણ માંગો છે જેમ કે, સિંચાઈની વૈકલ્પિક વ્યવસ્થા કરવી, ખેડૂતો અને ખેતમજૂરો માટે રોજગારીની વ્યવસ્થા કરવી, ગામમાં પશુચિકિત્સા અને દવાઓની સુવિધા આપવી, દુષ્કાળ અને કુદરતી આફત હેઠળની તમામ સરકારી સહાયનો ઝડપી અને પારદર્શક લાભ આપવો, આગામી ખરીફ સીઝન સુધી ખેડૂત પરિવારો માટે જીવનનિર્વાહ અને રાહત સહાય આપવી
ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે દરેક ખેડૂતે પોતાનું ફોર્મ અચૂક ભરવું અને પોતાના ગામના વધુમાં વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવા વિનંતી છે. આ લડાઈ કોઈ એક ખેડૂતની નથી - આ આપણા અન્નદાતા ખેડૂતોના હકની લડાઈ છે. દરેક ગામમાંથી અરજી - દરેક ખેડૂતનો અવાજ - સરકાર સુધી પહોંચાડવાનો સંકલ્પ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત