રાજપીપળા, બુધવાર: “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આજથી ૯ માં રાષ્ટ્રીય પોષણ માહ ની વિશેષ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક માસ દરમિયાન જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ થીમ આધારિત પોષણલક્ષી પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો તેમજ સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંગે લાભાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
વારાણસી ખાતે યોજાયેલ રાજ્યવ્યાપી ૯માં રાષ્ટ્રીય પોષણ માહના લોન્ચિંગ કાર્યક્રમને નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી ICDS વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
આ પ્રસંગે રાજપીપળાના નવા ફળિયા (વિચરતી જાતિ) આંગણવાડી કેન્દ્ર ખાતે ૯મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પોષણ માહની શપથ લઈ સ્વસ્થ અને સુપોષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આંગણવાડી કાર્યકર શ્રીમતી અંજના માછીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય અને નર્મદા જિલ્લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. નવા ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પણ વિવિધ પ્રવૃત્તિઓ સાથે પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. આંગણવાડી મારફતે બાળકો અને લાભાર્થીઓને પોષણ, આરોગ્ય તથા શિક્ષણલક્ષી વિવિધ સેવાઓનો લાભ મળી રહ્યો છે.
આંગણવાડીના લાભાર્થી શ્રીમતી મનીયાર નાઝનીનબાનુએ પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, તેમના બાળકને આંગણવાડી કેન્દ્ર ખાતે તાજું ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ઉપરાંત, વિવિધ પ્રવૃત્તિઓ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના માધ્યમથી બાળકને પોતાનો પરિચય, કક્કો, શાકભાજી, ફળો સહિતની વિવિધ બાબતો શીખવા મળી રહી છે. આ સેવાઓના કારણે બાળકમાં સારો સુધારો જોવા મળ્યો છે અને હાલ તેમનું બાળક તંદુરસ્ત તથા ખુશ છે અને નિયમિત રીતે આંગણવાડીમાં જાય છે. આ માટે તેમણે આંગણવાડી કાર્યકર સહિત સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
નર્મદા જિલ્લામાં આગામી એક માસ દરમિયાન “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમને કેન્દ્રસ્થાને રાખી પોષણ અંગે જનજાગૃતિ વધારવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ, વાલીઓ તથા સમુદાયની ભાગીદારીથી સુપોષિત નર્મદાના સંકલ્પને સાકાર કરવા પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નાંદોદ નગરપાલિકા સભ્યશ્રી વિપુલભાઈ માછી, CDPO શ્રીમતી ભાનુબેન ચૌહાણ, સગર્ભા અને ધાત્રી બહેનો, આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.