મુખ્ય સામગ્રી પર જાઓ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય

અરવલ્લીની 29 આશ્રમશાળાઓ અને અનુદાનિત છાત્રાલયો-માધ્યમિક શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે, રાજ્ય સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કર્યા. ન્યૂ ગુજરાત પૅટર્ન’ હેઠળ બંક બેડ-ગાદલા, બેન્ચીસ, વૉશિંગ મશીન, સોલાર રૂફટોપ અને RO સહિતની સુવિધાઓનો થશે વિકાસ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય

ગાંધીનગર  |  આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે; તે માટે ગુજરાત સરકારે અરવલ્લી જિલ્લામાં મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ આદિજાતિ જિલ્લા અરવલ્લીમાં આવેલી આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. કે રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી આપી. આ માતબર રકમમાંથી વિદ્યાર્થીઓની રહેણાંક, શૈક્ષણિક અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ આવશ્યક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીનાં માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી શ્રી પૂનમચંદ બરંડાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણયથી અરવલ્લી જિલ્લાની 29 જેટલી આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી થશે અને અંદાજે 4922 વિદ્યાર્થીઓને સુંદર શૈક્ષણિક અને આવાસીય સુવિધાઓનો લાભ મળશે. રાજ્ય સરકારનો આ અભિગમ દર્શાવે છે કે આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે માત્ર નાણાં ફાળવવા પૂરતું જ નહીં, પરંતુ આયોજન, ટેકનિકલ મંજૂરી, વહીવટી મંજૂરી અને ગુણવત્તાયુક્ત અમલીકરણ; આ તમામ તબક્કાઓને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

 

બંક બેડથી લઈને સોલાર રૂફટોપ સુધીની સુવિધાઓ

 

રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી રૂ. 1.50 કરોડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુરૂપ વિવિધ કામો માટે કરવામાં આવશે. તેમાં ગાદલા સાથેના બંક બેડ, વિદ્યાર્થીઓ માટે બેન્ચીસ, વૉશિંગ મશીન, સોલાર રૂફટોપ અને RO સિસ્ટમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આશ્રમશાળા અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંક બેડ અને ગાદલાની વ્યવસ્થા રહેણાંક સુવિધાને વધુ સુદૃઢ બનાવશે. વર્ગખંડોમાં જરૂરી બેન્ચીસ ઉપલબ્ધ થવાથી અભ્યાસ માટે વધુ યોગ્ય વાતાવરણ ઊભું થશે. છાત્રાલયોની દૈનિક વ્યવસ્થામાં વૉશિંગ મશીન ખૂબ ઉપયોગી બનશે, જ્યારે RO સિસ્ટમથી વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ સુવિધા મળશે.

 

સાથે જ; સોલાર રૂફટોપ દ્વારા નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આમ, આ સમગ્ર આયોજનમાં વિદ્યાર્થી સુવિધા સાથે ઊર્જા બચત અને પર્યાવરણલક્ષી અભિગમને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આદિજાતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા

 

આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પણ તેમનું દૈનિક જીવન અને રહેઠાણ પણ શિક્ષણ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેથી તેમને સારી રહેણાંક સુવિધા, સ્વચ્છ પાણી, જરૂરી ફર્નિચર અને દૈનિક ઉપયોગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી તેમના શૈક્ષણિક અનુભવમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી રૂ. 1.50 કરોડની આ જોગવાઈ આદિજાતિ વિસ્તારના બાળકોને વધુ સારા શૈક્ષણિક વાતાવરણ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ‘ન્યૂ ગુજરાત પૅટર્ન’ હેઠળ સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસકામોને પ્રાથમિકતા આપવાની નીતિનું આ એક સશક્ત ઉદાહરણ છે.

ગુણવત્તા અને પારદર્શિતાની સાથે થશે અમલીકરણ

મંજૂર થયેલા કામો રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદી નીતિ, નાણાકીય નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવશે. સાધનોની ખરીદીથી લઈને સ્થાપન અને ઉપયોગ સુધી ગુણવત્તા જળવાય; તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવશે. મશીનરીની સ્થાપના દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. વૉશિંગ મશીન જેવી મશીનરી માટે સંબંધિત સપ્લાયર દ્વારા સ્ટાફને ઉપયોગ અંગે જરૂરી તાલીમ અને ડેમો આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. વોરંટી, ગેરંટી અને આફ્ટર-સેલ્સ સર્વિસ જેવી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. ખરીદવામાં આવેલી સામગ્રીની સ્ટોક રજિસ્ટરમાં નોંધણી અને નિયમિત ચકાસણી દ્વારા પારદર્શિતા જાળવવામાં આવશે.

 

આમ, ટેકનિકલ મંજૂરી બાદ રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી સાથે અરવલ્લીની આશ્રમશાળાઓ અને છાત્રાલયોમાં સુવિધાઓના વિકાસને હવે નિર્ણાયક ગતિ મળશે. શિક્ષણની સાથે રહેણાંક, સ્વચ્છ પાણી, સ્વચ્છતા, આધુનિક સાધનો અને નવીનીકરણીય ઊર્જા જેવી સુવિધાઓનો સમન્વય આદિજાતિ વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. રાજ્ય સરકારનો આ નિર્ણય આદિજાતિ વિસ્તારોના બાળકોને સમાન અને ગુણવત્તાયુક્ત તક આપવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

Tags: રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માધ્યમિક શાળા આદિજાતિ

સંબંધિત સમાચાર