મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા કેસ પર મનોજ સોરઠીયાના આકરા પ્રહાર: "રાજકીય કિન્નાખોરી રાખીને ઉપજાવી કાઢેલો કેસ"

ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર તંત્રના દુરુપયોગના આક્ષેપો કર્યા. સંપૂર્ણ અહેવાલ વાંચો.

ચૈતર વસાવા કેસ પર મનોજ સોરઠીયાના આકરા પ્રહાર: "રાજકીય કિન્નાખોરી રાખીને ઉપજાવી કાઢેલો કેસ"

અમદાવાદ / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજા મુદ્દે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ડેડીયાપાડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ તકે મીડિયાને સંબોધન કરતા ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં તમામ કાર્યકર્તાઓની એક સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગઈકાલે ચૈતરભાઈ વસાવા અને તેમના નવ જેટલા સાથીદારોને એક કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. સામાન્ય રીતે કોર્ટમાં કેસો દસ-દસ વર્ષ સુધી ચાલતા હોય છે, પરંતુ આ કેસમાં રાજકીય પૂર્વગ્રહ રાખીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાય છે. જ્યારે આ કેસની સુનાવણી થઈ ત્યારે અનેક બાબતો એવી સામે આવી કે જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર મામલો એક પ્રકારની રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત હતો. કોર્ટમાં સામાન્ય રીતે જ્યારે અંતિમ સુનાવણી ચાલતી હોય ત્યારે જે સાક્ષીઓની જુબાની પર આખો કેસ આધારિત હોય છે, તે સાક્ષીઓની શારીરિક હાજરી જરૂરી માનવામાં આવે છે. તેમ છતાં આ કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. કેસને અત્યંત ઝડપથી ચલાવવામાં આવ્યો અને આરોપીઓના વિવિધ અધિકારોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું. 

હદ તો ત્યાં થાય છે કે પંદર દિવસની બાળકીની માતા શકુંતલાબેન, જે ચૈતરભાઈ વસાવાના બહેન છે, તેમને પણ આ કેસમાં સામેલ કરવામાં આવ્યા. તેઓ તાજેતરમાં જ માતા બન્યા હતા. આ ઉપરાંત એક ગર્ભવતી મહિલાને પણ આ કેસમાં સામેલ કરવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે કોઈ ગુનામાં એકથી વધુ લોકો સંકળાયેલા હોય ત્યારે દરેક વ્યક્તિની ભૂમિકા અલગ-અલગ હોય છે અને તે મુજબ જવાબદારી પણ અલગ હોય છે. તેમ છતાં આ કેસમાં તમામ આરોપીઓને એકસરખી સજા આપવામાં આવી છે. આ બાબત સમગ્ર પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે અને તેના પરથી સમગ્ર ઘટનાક્રમ અંગે શંકા વધુ ગાઢ બને છે. 

મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કેસ ઉપજાવી કાઢવામાં આવેલો છે અને આખા કેસને લઈને ગુજરાતની જનતામાં અનેક પ્રકારની શંકાઓ ઉભી થઈ રહી છે. ગુજરાતની જનતાએ ચૈતર વસાવાને એક લોકપ્રિય નેતા અને આદિવાસી સમાજના મજબૂત પ્રતિનિધિ તરીકે જોયા છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે ચૈતર વસાવા સામે વારંવાર કેસો શા માટે કરવામાં આવે છે અને તેમને વારંવાર જેલમાં મોકલવાના પ્રયાસો શા માટે થાય છે?તેમણે જણાવ્યું કે ચૈતર વસાવા ભાજપની તાનાશાહી, કુશાસન અને આદિવાસી વિરોધી માનસિકતા સામે સતત લડતા રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે ઉભો છે અને તેમને સમર્થન આપી રહ્યો છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સમર્થકો પણ ચૈતર વસાવા સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અંગે દુઃખ અને રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી આ મુદ્દે લોકો સુધી પહોંચશે અને સમગ્ર ઘટનાક્રમ અંગે જનજાગૃતિ લાવવાનું કામ કરશે. પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો અને આગેવાનો રસ્તા પર ઉતરીને ચૈતર વસાવાના સમર્થનમાં અવાજ ઉઠાવશે અને લોકશાહી રીતે પોતાનો વિરોધ નોંધાવશે. 

’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે જે કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે છે, તેના વિરુદ્ધ કેસો કરવામાં આવે છે અને તેને જેલમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે લોકો સરકાર સામે ઝૂકી જાય છે, તેમના દસ-દસ વર્ષ જૂના કેસો પણ માફ કરી દેવામાં આવે છે અને કેસો પાછા ખેંચી લેવામાં આવે છે. આજે ગુજરાત અને દેશની અંદર લોકશાહીની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. 

કાયદો અને વ્યવસ્થા માત્ર વિરોધ પક્ષ માટે જ લાગુ પડે છે એવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી થતી નથી. અનેક ગંભીર આરોપોનો સામનો કરતા લોકો આજે ભાજપમાં છે, છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા સમયમાં ચૈતરભાઈ વસાવા સામે જે રીતે કથિત ષડયંત્ર રચવામાં આવ્યું અને તેમને જેલમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની સામે આમ આદમી પાર્ટી કાયદાકીય તેમજ રાજકીય રીતે લડત લડશે. રસ્તાથી લઈને વિધાનસભા અને સંસદ સુધી આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે જો કોઈને એવું લાગતું હોય કે ચૈતર વસાવાને રાજકારણમાંથી દૂર કરી શકાય છે, તો તે મોટી ભૂલ છે. 

ગુજરાતની જનતામાં અને આમ આદમી પાર્ટીમાં એવા સેંકડો ચૈતર વસાવા ઊભા કરવાની શક્તિ છે. આવનારા સમયમાં આવા અનેક યુવા નેતાઓ અન્યાય સામે લડશે અને જનતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં માનવતાનો પણ અભાવ જોવા મળ્યો છે. પંદર દિવસના બાળકની માતાને પણ સજા કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ બાળક સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ રાહત મળી નહીં. જોકે, ન્યાયિક પ્રક્રિયા અંગે કોઈ ટિપ્પણી કર્યા વિના તેમણે કહ્યું કે સમગ્ર કેસ જે રીતે ઘડાયો, જે ઝડપથી ચલાવવામાં આવ્યો અને જે રીતે બે વર્ષમાં ચુકાદો આવ્યો, તે અનેક પ્રશ્નો ઊભા કરે છે. સામાન્ય રીતે વર્ષો સુધી ચાલતા કેસોની સરખામણીએ આ કેસમાં ઝડપી કાર્યવાહી થઈ અને સાત વર્ષની સજા ફટકારવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા ચૈતર વસાવાને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાના પ્રયાસનો ભાગ છે. જોકે, ચૈતર વસાવા સંઘર્ષથી પાછળ હટનારા નથી. તેઓ સતત લડતા રહેશે અને સમાજ માટે અવાજ ઉઠાવતા રહેશે. તેમનો વિશ્વાસ છે કે ચૈતર વસાવા જેવા અનેક યુવાનો ભવિષ્યમાં ઉભા થશે અને લોકશાહી મૂલ્યો માટે લડત આપશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ચૈતર વસાવા કેસ ગુજરાત રાજકારણ સમાચાર ડેડિયાપાડા AAP બેઠક AAP આંદોલન ગુજરાત મનોજ સોરઠીયા પ્રેસ કોન્ફરન્સ લોકશાહી અને કાયદો આદિવાસી નેતા ચૈતર વસાવા રાજકીય કિન્નાખોરી તંત્રનો દુરુપયોગ આક્ષેપ

સંબંધિત સમાચાર