અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : વિસાવદર તાલુકાના બરડીયા ગામે આવેલ શ્રી વિનય મંદિર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં આજુબાજુના ૧૫ જેટલા ગામોના વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આવે છે. શાળાના ટ્રસ્ટીગણ, ગામની યુવા ટીમ અને શિક્ષકોની સંયુક્ત મહેનતથી આ શાળા ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહી છે. જોકે, આજુબાજુના ગામડાઓમાંથી આવતી દીકરીઓને શાળાએ પહોંચવામાં ટ્રાન્સપોર્ટેશનની ભારે તકલીફ પડતી હતી અને તેઓએ ખાનગી વાનનો સહારો લેવો પડતો હતો. આ સમસ્યા અંગે શાળાના ટ્રસ્ટીગણ વતી ગામના યુવા આગેવાન મનીષભાઈ વઘાસિયાએ આમ આદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને રજૂઆત કરી હતી. દીકરીઓની ભણતરની આ મુશ્કેલીને સમજીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ત્વરિત નિર્ણય લઈ પોતાના ધારાસભ્ય તરીકેના પગારમાંથી ₹૧,૦૦,૦૦,૦ (એક લાખ રૂપિયા) નું વ્યક્તિગત અનુદાન જાહેર કર્યું હતું. આ અનુદાનની સાથે બરડીયા ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ ઉદાર હાથે ફંડફાળો (લોકભાગીદારી) ઉમેર્યો હતો.
આ સંયુક્ત ભગીરથ પ્રયાસોથી શાળા માટે નવી સ્કૂલ બસ આવી પહોંચતા આજે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ નવી સ્કૂલ બસનું ઉદ્ઘાટન શાળાની દીકરીઓના વરદહસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. બસ આવ્યા બાદ તુરંત જ સરકારી ગ્રાન્ટમાંથી તેના મેન્ટેનન્સ અને ભાડાના ખર્ચની પણ તાત્કાલિક મંજૂરી મેળવી લેવામાં આવી છે. જેના પરિણામે હવે આજુબાજુના ૧૦ થી ૧૨ ગામના જે વિદ્યાર્થીઓ પહેલાં પ્રાઈવેટ વાનમાં ખર્ચ કરીને આવતા હતા, તેમને હવે તદ્દન મફત (૧૦૦% ફ્રી ટ્રાન્સપોર્ટેશન) સુવિધાનો લાભ મળશે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ ઉમદા સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આમ આદમી પાર્ટી ગુજરાત