મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ’આદિવાસી ન્યાય યાત્રા' નો ત્રીજો દિવસ : વ્યારા ખાતે ’આપ’ ના પ્રદેશ નેતાઓની પત્રકાર પરિષદ યોજાઈ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ના ત્રીજા દિવસે વ્યારા ખાતે પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, તાપી જિલ્લા પ્રમુખ કિરણભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી.

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ’આદિવાસી ન્યાય યાત્રા' નો ત્રીજો દિવસ : વ્યારા ખાતે ’આપ’ ના પ્રદેશ નેતાઓની પત્રકાર પરિષદ યોજાઈ

અમદાવાદ/તાપી/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ના ત્રીજા દિવસે વ્યારા ખાતે પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, તાપી જિલ્લા પ્રમુખ કિરણભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી. માધ્યમોને સંબોધતા પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતમાં આદિવાસી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે, સરકારી મશીનરીઓનો દુરુપયોગ કરીને આદિવાસીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આદિવાસીના મુદ્દા ઉઠાવતો હોય, આદિવાસી માટે લડતો હોય, જળ, જંગલ, જમીનના પ્રશ્નો માટે લડતો હોય, બોગસ સર્ટિફિકેટ માટે લડતો હોય તો એને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી, સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને એને જેલમાં નાખવાની પણ કોશિશ કરવામાં આવતી હોય છે. એ જ રીતે એક આદિવાસી ધારાસભ્ય જે છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, નાનામાં નાના પ્રશ્નથી લઈને મોટામાં મોટા પ્રશ્ન સુધી, રોડથી માંડીને વિધાનસભા સુધી એમનો અવાજ ગુંજતો રહ્યો છે,  એકમાત્ર આદિવાસી નેતા એવા છે કે જે આદિવાસીઓ માટે હર હંમેશા કંઇ ને કંઇ બોલતા રહે છે, એમના માટે લડતા રહે છે એવા ચૈતરભાઈ વસાવા છે તેમને જેલમાં પુરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય આદિવાસી માટે બોલવા માટે તૈયાર નથી, ત્યારે આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજની અંદર, આદિવાસી યુવાનોની અંદર દિવસે ને દિવસે ખૂબ જ વધતી ગઈ. આદિવાસી યુવાનો જાગૃત થતા ગયા. આદિવાસી યુવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે માથું ઊંચકતા થયા, પોતાના હક અધિકાર માંગતા થયા અને આ જોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટમાં તેલ રેડાયું અને ચૈતરભાઈને એક ષડયંત્રમાં ફસાવીને જેલમાં પુરી દેવામાં આવ્યા. એક ખોટો કેસ કરવામાં આવ્યો. 

’આપ' નેતા રાજુભાઈ વલવાઈએ આગળ જણાવ્યું કે, જંગલની જમીનનો અધિકારનો જે કાયદો છે એ કાયદા હેઠળ જેને સનદ મળેલી હતી એવા ખેડૂતો જ્યારે જમીન પર ખેડાણ કરતા હતા, ખેતી કરતા હતા એમને જમીન પરથી ખદેડવામાં આવ્યા, એમના પાકનો નાશ કરવામાં આવ્યો ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની ફરજ બનતી થઈ કે એ એમના ખેડૂતોના પડખે ઉભા રહે, એમને વળતર આપાવવા તેમની મદદ કરે અને એ કામ એમણે કર્યું. એ જ આ સરકારની આંખમાં ખૂંચ્યું. આવું ને આવું થશે તો હજારો એકર જમીન જે આ આદિવાસીઓની આપી દેવામાં આવેલી છે ઉદ્યોગપતિઓને કે બીજા બધા એજન્સીઓને એ જમીન માટે પણ આ આદિવાસી આવી રીતે લડતા થશે અને સરકારે વળતર ચૂકવવું પડશે, એમને જમીન આપવી પડશે ત્યારે એમને રોકવું જરૂરી લાગ્યું એટલે ચૈતરભાઈ વસાવાને આ કેસની અંદર ફસાવી અને જેલમાં પૂર્યા અને સાત વર્ષની સજા કરી. આ ગુજરાતની અંદર એક ધારાસભ્ય પર બળાત્કારનો કેસ પણ છે અને બુટલેગરો આજે પણ દારૂ વેચી રહ્યા છે, ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગંભીર ગુના કરનાર, હત્યા કરનાર, લૂંટ કરનાર એ લોકો પણ અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જેણે પ્રજાના પ્રશ્નો માટે વાત કરી એ ચૈતરભાઈ અત્યારે જેલમાં છે. તો આ જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયની સામે આ ’આદિવાસી ન્યાય યાત્રા' ઉમરગામથી શરૂ કરવામાં આવી છે અને આ યાત્રાનું નેતૃત્વ ચૈતરભાઈનો પરિવાર, એમના પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન કરી રહ્યા છે અને આ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આ યાત્રા બારડોલી લોકસભા વિસ્તારની અંદર સુરત તથા તાપી જિલ્લામાં આજે અહીંયા વ્યારાથી માંડવી જશે, માંડવીથી સોનગઢ અને સોનગઢથી કુકરમુંડા અને એવી જ રીતે આ યાત્રા આગળ પણ ચાલતી રહેશે અને ચોથી તારીખે અંબાજીમાં આ યાત્રા પૂરી થશે. ત્યારબાદ ગાંધીનગરમાં એક મોટી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હું આપના મીડિયાના માધ્યમથી આદિવાસી યુવાનો અને આદિવાસી સમાજને કહેવા માંગું છું કે ચોથી તારીખે ગાંધીનગર ખાતે જે ન્યાય માટેની લડાઈની મહાસભા રાખવામાં આવી છે, એમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આવનાર સમયની અંદર જે આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે લડીને તેને રોકવા માટેનું બળ પૂરું પાડે.

ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ આપવીતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે. એક આદિવાસી ધારાસભ્ય આદિવાસી સમાજ માટે હંમેશા માટે લડે છે, તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. સરકારી નોકરી છોડીને સમાજના લોકો માટે લડે છે. તેથી દરેક આદિવાસી સમાજને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે આ લડત અમારા એકલાની નથી, આપણા બધાની છે. હક અને અધિકાર બચાવવા માટેની આ એક લડત છે. તમે બધા અમારી સાથે આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવ એવી અમે આશા રાખીએ છીએ. આદિવાસી સમાજ ખૂબ મોટો છે. આપણે 1 કરોડ 25 લાખની વસ્તી ધરાવીએ છીએ. એટલે આપણે એકતા બતાવવાની જરૂર છે. આપણા હક અધિકાર અત્યારે છીનવાઈ રહ્યા છે. આપણા સમાજમાં ઘણા નવયુવાનો ઘણું ભણેલા છે છતાં આજે નોકરીઓ નથી. એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે, તેથી આપણે આ આયોજન કર્યું છે. ઉમરગામથી ચાલુ કરેલી આદિવાસી ન્યાય યાત્રાને દરેક જગ્યાથી લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે. લોકો ખૂબ સાથ સહકાર આપે છે, માન સન્માન આપે છે. આવી જ રીતે તમે અમને સાથ સહકાર આપજો. જ્યારે પરિવારનો એક સભ્ય નથી હોતો તો ઘરમાં કેટલી તકલીફ પડે છે તે અમે જાણીએ છીએ. પરંતુ દરેક લોકો આજે અમને સહકાર આપીને અમારા હાથ મજબૂત કરે છે, અમારું મનોબળ મજબૂત કરે છે, સાથ સહકાર આપે છે એટલે આજે અમે તમારી સામે બોલી શકીએ છીએ. એટલે તમે સાથ સહકાર આપતા રહેજો. આપણી આ યાત્રા ઉમરગામથી ચાલુ કરી તેની અંબાજીમાં પૂર્ણાહુતિ છે અને બીજા દિવસે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કર્યું છે ત્યાં પણ તમે બધા મોટી સંખ્યામાં પધારો એવી અમે આશા રાખીએ છીએ. 

Tags: આમ આદમી પાર્ટી ચૈતર વસાવા આદિવાસી ન્યાય યાત્રા

સંબંધિત સમાચાર