મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"

ચૈતર વસાવાને મળેલી સજા રાજકીય ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. જાણો ભાજપ પર લગાવેલા આક્ષેપો અને AAP ની આગળની રણનીતિ.

ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે સંઘર્ષ કરતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખટકે છે અને એટલા માટે તેમના ઉપર વારંવાર કેસો કરવામાં આવે છે, વારંવાર જેલમાં નાખવામાં આવે છે. એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં રાત્રે બે વાગ્યે ઊભો પાક કાપી નાખે છે. સ્થાનિક લોકો પછી ચૈતર વસાવા પાસે જાય છે. ચૈતર વસાવા વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે તમે રાત્રે બે વાગ્યે આ રીતે ઊભો પાક કાપો છો. જંગલ જમીનની બાબતમાં જે કાનૂન લાગુ પડે છે તે આદિવાસી સમાજના હિત માટે છે, છતાં ઊભો પાક તરત જ કાપી નાખવામાં આવે છે, અને એ પણ રાત્રે બે વાગ્યે. એવું શું કારણ હતું? ચૈતર વસાવાએ વન કર્મચારીઓ અને આદિવાસી સમાજ વચ્ચે જાગૃતિ લાવી અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરાવ્યું. સમાધાન પછી નક્કી થયું કે આટલી રકમ ચૂકવવાની રહેશે. સમાધાન થયા બાદ ભાજપના કાર્યકરો ત્યાં પહોંચી જાય છે અને ચૈતર વસાવાને બોલાવીને ધમકાવે છે. ભાજપ તરફથી જાણે ચારેય બાજુથી દબાણ ઊભું કરીને, કેસો કરીને અને સજાઓ કરાવડાવીને તેમને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈપણ સામાન્ય વ્યક્તિને પોતાના સમાજનો અવાજ ઉઠાવવો જોઈએ, તેને દબાવીને ગોડાઉનમાં પૂરવાનો પ્રયત્ન યોગ્ય નથી. 

ભાજપને ખબર પડી એટલે કર્મચારીઓને કહીને ડરાવી ધમકાવીને પોલીસ ફરિયાદ કરાવવામાં આવે છે. એ મામલામાં ચૈતરભાઈ વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી દબાણ તૂટે નહીં એટલે એક કેસ ચલાવીને આજે ચૈતરભાઈ વસાવા ઉપર સાત વર્ષની સજા સંભળાવવામાં આવે છે. કેટલા કેસોમાં તાત્કાલિક સજા થઈ છે ? જ્યારે ચૈતરભાઇ વસાવા સમાજના મુદ્દાઓ ઉઠાવે છે ત્યારે ભાજપને ગમતું નથી. કારણ કે તેઓ આદિવાસી સમાજનો અવાજ બની રહ્યા છે. સરકાર તરફથી ચૈતરભાઈ વસાવાને લોભ-લાલચ પણ આપવામાં આવ્યા કે ભાજપમાં આવી જાઓ, નહીં તો આમ કરી નાખશું, તેમ કરી નાખશું. આ પહેલાં પણ કેટલાય ખોટા કેસો કરીને સજા પડવાની વાત કરવામાં આવી છે. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાન છે, તેમણે ભાજપમાં જવાની ના પાડી છે. તેમણે બે વખત જેલ જવાનું પસંદ કર્યું, પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને તેમની સજા કરાવી છે. આ સજા સાત વર્ષની છે. સ્વાભાવિક રીતે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આનો ખતરો ઊભો થયો છે. પરંતુ આદિવાસી સમાજ ભાજપને છોડશે નહીં. અંબાજીથી ઉમરગામમાં વસતા આદિવાસી લોકો ભાજપને માફ નહીં કરે. આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવા ઉપર થયેલા અત્યાચાર અને અન્યાયને લઈને આગળ પણ કેસ ચલાવશે અને અંતે ન્યાય માટે કોર્ટમાં જશે.

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ઈસુદાન ગઢવી નિવેદન આદિવાસી સમાજ ગુજરાત ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા કેસ ચૈતર વસાવા સજા ભાજપ રાજકીય ષડયંત્ર AAP ગુજરાતની લડત ગુજરાત રાજકારણ સમાચાર આદિવાસીઓના અધિકારો

સંબંધિત સમાચાર