અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકાના એક ગામમાં એક મગફળીનો પાક બતાવીને જણાવ્યું હતું કે મગફળીનો પાક સુકાઈ ગયો છે, સરકારને હજુ એવું હોય કે “જો કદાચ એકાદ ઇંચ વરસાદ પડી જાય અને દુષ્કાળ જાહેર ન કરવું પડે” તો હું એમને કહેવા માગું છું કે હવે આ પાક બચે એમ નથી. અમે દેવભૂમિ દ્વારકાના ગામડે ગામડે જઈને સત્યાગ્રહનો બીજો ભાગ શરૂ કરી દીધો છે અને દુષ્કાળ જાહેર કરાવવાના ફોર્મ ભરવા માટે ખેડૂતોની લાઈન લાગી રહી છે. કારણ કે ખેડૂતો ખૂબ જ પીડામાં છે. મગફળીના આખા ખેતરમાં એક પણ દાણો મગફળીનો નથી. ખેડૂતો, ભાગ્યાઓ, પશુપાલકો અને ખેત મજૂરોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. જો આ ખેતરમાંથી એક પણ દાણો મગફળી નીકળે તો હું ગુજરાત સરકારનો ગુલામ બનવા માટે તૈયાર છું. હું રાજનીતિ નથી કરતો પરંતુ ખેડૂતનો દીકરો છું અને ખેડૂતોની સ્થિતિ સમજું છું એટલા માટે આ વાત કરી રહ્યો છું. સરકારે દુષ્કાળ જાહેર કરવો પડશે અને કરવો જ પડશે. તમને લાગે તો તલાટી મંત્રી, કલેક્ટરોને ગામડામાં ઉતારો અને જાતે ખેતરોની હાલત ચેક કરાવી લો.
વધુમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકાર તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવે, એવી અમારી અપીલ છે કારણકે અમે ભીખ નથી માંગી રહ્યા પરંતુ ખેડૂતોનો હક માંગી રહ્યા છીએ. જ્યારે કોઈ કંપની પર આફત આવે છે ત્યારે તમે લોન માફ કરો છો, ટેક્સમાં રાહત આપો છો, વીજળીના બિલમાં રાહત આપો છો. મેં 58 ધારાસભ્યોને પત્ર લખ્યા હતા અને જે ધારાસભ્યો ખેડૂતોના મતથી જીત્યા છે એ લોકોએ હજુ સુધી મુખ્યમંત્રીને પત્ર લખ્યો નથી અને વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો નથી. હું એ તમામને કહેવા માગું છું કે તમારા નામો અમે જાહેર કરીશું અને ફરીવાર ક્યારેય પ્રજા તમને ચૂંટશે નહીં. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અમે એટલા માટે કહીએ છીએ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન ખેડૂતોને સહાય ચૂકવો. જે ધારાસભ્યએ પત્ર નથી લખ્યા એ લોકોને કહેવા માંગુ છે કે તમે પત્ર લખો કારણ કે આવનારી ચૂંટણીમાં આ બધા મુદ્દા ઉઠશે કે કોણ ખેડૂતો સાથે હતું અને કોણ નહીં. સરકારને બધી વાતની ખબર છે પરંતુ તેઓ કંઈ આપવા માંગતા નથી. મહેરબાની કરીને દુષ્કાળ જાહેર કરો, સહાય ચૂકવો ઘાસચારો આપો અને જે પાણી છોડવાનું બંધ કર્યું છે એને શરૂ કરો. આફતના સમયમાં સરકાર નેતાઓ અને અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે. કારણ કે એ લોકોની કોઈ દાનત જ નથી કંઈ સારું કરવા માટે. ફરી એકવાર મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરો નહીંતર બીજી ઓક્ટોબર પછી અમે સત્યાગ્રહનો ત્રીજો તબક્કો પણ જાહેર કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત