ભરૂચ : આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તમે ધારાસભ્યના પુત્રો છો, ધારાસભ્યના સગા-સંબંધીઓ છો તો તમને કોઈને ગમે તેવી રીતે દાદાગીરી કરીને માર મારવો હોય, જીવલેણ હુમલો કરવો હોય કે પછી મર્ડર કરી નાખવું હોય તો પણ તમે બચી જશો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યને ભારતીય જનતા પાર્ટીએ એવી સ્થિતિમાં મૂકી દીધું છે કે અહીં ખુલ્લેઆમ કોઈને ધમકી આપો, જીવલેણ હુમલો કરો અથવા કોઈનું મર્ડર કરો, પરંતુ જો તમે ભારતીય જનતા પાર્ટીમાં હોવ તો તમને બચાવી લેવામાં આવે છે. પિયુષ પટેલે જણાવ્યું હતું કે કરજણ તાલુકાના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર દ્વારા ટ્રક ડ્રાઈવરને ડીઝલ ચોરીના આરોપમાં ઊંધો લટકાવીને માર મારવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના લોકો ન્યાય માટે ભેગા થયા બાદ ફરિયાદ નોંધાઈ, પરંતુ માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થઈ હોય તેવી રીતે આરોપીઓને તરત જ જામીન મળી ગયા હતા.
'આપ’ નેતા પિયુષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ સામાન્ય વ્યક્તિ અથવા ભાજપ સિવાયના પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિ સામે ફરિયાદ થાય તો પોલીસ ગંભીર કલમો લગાવવામાં જરા પણ વાર કરતી નથી, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ હોય ત્યારે પોલીસ અને કાયદો વ્યવસ્થા તેમની સામે અલગ રીતે વર્તે છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય માણસ હેલ્મેટ વગર બહાર નીકળે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં 24 કલાક સુધી ડિટેન પણ કરવામાં આવે છે, પરંતુ ભાજપના કાર્યકરો, ધારાસભ્યો, તેમના પુત્રો, સગા-સંબંધીઓ કે મંત્રીઓ સામે કડક કાર્યવાહી થતી નથી. પિયુષ પટેલે હર્ષ સંઘવી પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે કોઇ ચમરબંધીને છોડવામાં નહી આવે જેવા નિવેદનો આપવામાં આવે છે, પરંતુ ભાજપની અંદર જ કેટલાક લોકો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે અને ગુજરાતમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. તેમણે માંગ કરી કે આવા તમામ લોકો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત