અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજકાલ આખા દેશમાં સૌથી વધુ ચર્ચાતો વિષય પેટ્રોલ ગાડીઓમાં ઈથેનોલ મિશ્રણનો છે. સરકાર દ્વારા પેટ્રોલ વાહનોમાં 'E-20' (ઈ-ટ્વેન્ટી) એટલે કે ૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવા માટેનું ફરજિયાત ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ જે જે ગાડીઓમાં આ E-20 પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે, તે તમામ ગાડીઓના એન્જિન અને ફિલ્ટરમાં ખૂબ મોટી ખામીઓ સર્જાઈ રહી છે. એટલું જ નહીં, વાહનોની એવરેજ (માઇલેજ) પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ હોવાના અનેક કિસ્સા દેશભરમાં સામે આવ્યા છે. સામાન્ય રીતે ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા જે જૂની ગાડીઓ બનાવવામાં આવી છે, તે બધી શુદ્ધ (પ્યોર) પેટ્રોલ માટેની ગાડીઓ છે, E-20 પેટ્રોલ માટેની નહીં. સરકારના આ ખોટા નિર્ણયના કારણે આજે સામાન્ય નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. લોકોની સ્પષ્ટ માંગણી છે કે કાં તો આ E-20 પેટ્રોલનો ફરજિયાત નિયમ તાત્કાલિક બંધ કરવામાં આવે અથવા લોકોને પ્યોર પેટ્રોલ વાપરવાનો વિકલ્પ આપવામાં આવે. જે નવી ગાડીઓ E-20 એન્જિન સાથે આવે છે માત્ર તેમાં જ આ પેટ્રોલ વાપરવામાં આવે, બાકીના વાહનચાલકો માટે તે મરજીયાત હોવું જોઈએ. પરંતુ જનતાની આ વાજબી માંગણી સામે પણ અહંકારી સરકાર ઝૂકવા કે આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી.
આ કોઈ એક નેતા કે શાસક પક્ષના માનીતા ઉદ્યોગપતિઓની ઇથેનોલ કંપનીઓને ફાયદો કરાવવા માટે દેશભરના વાહનચાલકો પર જબરદસ્તીથી થોપી બેસાડવામાં આવેલું મોટું ષડયંત્ર છે. આવા કપરા સમયમાં અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા દેશના લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે આપણે સૌ સાથે મળીને આ અન્યાય સામે એક મોટું સિગ્નેચર કેમ્પેન (સહી ઝુંબેશ) ચલાવીએ. જો લોકોની સંગઠિત તાકાત સામે સરકાર ન ઝૂકે તો આ લોકશાહી સરકાર પાસેથી કોઈ આશા રાખી શકાય નહીં. આ સહી ઝુંબેશની શરૂઆત કરવા માટે મેં પણ ઓનલાઇન પિટિશન પર સહી કરી દીધી છે. હું આ પ્રેસનોટ સાથે એક લિંક મોકલી રહ્યો છું, જેના પર આપ સૌ પણ સહી કરીને પોતાનું સમર્થન નોંધાવો. આપણે સૌ સાથે મળીને સરકારને કડક સંદેશ આપીએ કે E-20 પેટ્રોલ ફરજિયાત બનાવવાનું બંધ કરી લોકોને અગાઉની જેમ પ્યોર પેટ્રોલ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. દેશની જનતા તમારી સાથે છે, પણ સરકાર પોતાના માનીતા ઉદ્યોગપતિઓની કંપનીઓને ફાયદો કરાવવા માટે સામાન્ય નાગરિકોનું નુકસાન કરવાનું બંધ કરે.
આમ આદમી પાર્ટી ગુજરાત