મુખ્ય સામગ્રી પર જાઓ

પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને અતાર્કિક ગણાવ્યું છે અને સુરતમાં વારંવાર આવતી પૂરની સમસ્યા માટે ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.

પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત પૂરના મુદ્દે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાના કારણે સર્જાયેલી ખાડીપૂરની હોનારતને આજે સાત દિવસ વીતી ગયા છે. સાત દિવસ બાદ રાજ્ય સરકારે વેપારીઓ અને કારખાનેદારો માટે એક સહાય પેકેજની જાહેરાત કરી ખરી, પરંતુ આ પેકેજ જોઈને મને આપણી જૂની કહેવત યાદ આવી ગઈ કે – 'અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા'. જ્યારે અણસમજુ નેતાઓ પ્રજા પર શાસન કરતા હોય ત્યારે કેવાં ગંભીર દુષ્પરિણામો આવે છે, તે આપણી નજર સામે છે. છેલ્લા ચાર દિવસથી જે પેકેજની મોટી-મોટી વાતો થતી હતી, તેની અંદર અત્યંત આડકતરી અને હાસ્યાસ્પદ બાબતો સામે આવી છે. સરકાર દ્વારા વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે અને પચાસ ફૂટથી મોટી દુકાનો માટે પચાસ હજારની સહાયની વાત કરાઈ છે. આ પેકેજમાં નાની-મોટી તમામ દુકાનો અને વ્યવસાયોને એક સમાન ગણી લેવામાં આવ્યા છે. સોના-ચાંદીના જ્વેલર્સના શોરૂમ ધરાવતા વેપારીને પણ વધુમાં વધુ એક લાખ રૂપિયા મળશે અને તેની બાજુમાં ભંગાર કે કબાડની દુકાન ચલાવતા વ્યક્તિને પણ એક લાખ જ મળશે. જે મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક્સના શોરૂમમાં લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ ડૂબી ગઈ છે, તેને પણ એક લાખની જ સહાય અપાશે અને તેની બાજુમાં નાની કેબિન રાખીને મોબાઈલ રીપેર કરનારને પણ એટલી જ સહાય અપાશે. કાપડના મોટા શોરૂમવાળા અને ડ્રાય ક્લીનર્સવાળાને એક સમાન ગણીને સરકારે પુરવાર કર્યું છે કે તેમની નીતિઓમાં કોઈ લાંબી ગણતરી કે તર્ક નથી. 

’આપ’ નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યુ હતુ કે સવાલ માત્ર અપર્યાપ્ત સહાયનો નથી, સવાલ એ છે કે આજથી ૨૦ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૬માં જ્યારે તાપી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું, ત્યારે તપાસ માટે એક 'સીટ' (SIT) ની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આપેલા અહેવાલ અને સૂચનો પર છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારે શું કામ કર્યું? સરકારમાં બેઠેલા ધારાસભ્યો અને શાસકો આજે સરકારી તંત્ર અને અધિકારીઓનો વાંક કાઢી રહ્યા છે, તો તેમણે જનતાને એ સ્પષ્ટતા કરવી જોઈએ કે ૨૦ વર્ષથી આ સૂચનો ધૂળ કેમ ખાઈ રહ્યા છે? ૨૦ વર્ષ પહેલાં તાપી નદીની પહોળાઈ કેટલી હતી અને આજે દબાણોને કારણે તે કેટલી ઘટી ગઈ છે તેની ન્યાયી તપાસ થવી જોઈએ. આજે તંત્ર 'ખાડીપૂર' 'ખાડીપૂર' કહીને અસલી સમસ્યા પરથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે. જો આ ખાડીપૂર હોય તો રેલવે સ્ટેશનના ગરનાળા પાસે, પોદાર આર્કેડ પાસે ક્યાં ખાડી આવેલી છે કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા? સણીયા હેમાદ અને માધવબાગ જેવા વિસ્તારો છેલ્લા છ વર્ષથી દર ચોમાસામાં ડૂબી જાય છે, તેની પાછળ કોણ જવાબદાર છે? વેપારીઓને માત્ર નામપૂરતી સહાયની લાલચ આપીને શાસકો આ ગંભીર મુદ્દાને દબાવવા માંગે છે, પણ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મૂંગી બેસી રહેશે નહીં. સરકારે જાહેર કરવું જોઈએ કે ભવિષ્યમાં સુરત આવી હોનારતનો ભોગ નહીં બને તેની ખાતરી કોણ આપશે? શું શાસકોમાં એવી હિંમત છે કે તેઓ ખાતરી આપે કે જો ફરીથી સુરતમાં પૂર આવશે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે? જનતા આ હોનારતનું કાયમી નિરાકરણ અને જવાબ ઈચ્છી રહી છે.

Tags: આમ આદમી પાર્ટી (AAP) ધર્મેશ ભંડેરી ખાડીપૂર સુરત પૂર ભાજપ શાસન SIT રિપોર્ટ SIT report flood 2006 BJP governance Surat Surat flood 2026 controversy Dharmesh Bhanderi AAP statement Surat flood assistance package સહાય પેકેજ વેપારી સહાય વહીવટી નિષ્ફળતા

સંબંધિત સમાચાર