મુખ્ય સામગ્રી પર જાઓ

"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેટ્રોલ પંપો પર E-20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે અવાજ ઉઠાવતા તેને સરકારી દાદાગીરી ગણાવી છે. તેમણે માંગ કરી છે કે ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E-20 પેટ્રોલ વચ્ચે પસંદગીનો વિકલ્પ મળવો જોઈએ.

"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ E-20 પેટ્રોલના મુદ્દે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ આખી જિંદગી મહેનત કરીને, પરસેવો પાડીને અને કરકસર કરીને પૈસા બચાવે છે, જેથી જીવનમાં એકાદ વખત પોતાની મનપસંદ ફોર-વ્હીલર કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે. કાર ખરીદતી વખતે ગ્રાહક પાસે પેટ્રોલ, ડીઝલ કે ઇલેક્ટ્રિક વાહન પસંદ કરવાનો વિકલ્પ હોય છે. પરંતુ ગાડી લીધા પછી તેમાં શુદ્ધ પેટ્રોલ પુરાવવું કે ઇથેનોલ મિશ્રિત, તેનો કોઈ વિકલ્પ કેમ આપવામાં આવતો નથી? વાહનચાલક પોતાની પસંદગીના પેટ્રોલ પંપ પરથી કયું ઇંધણ ખરીદે, તે તેની મરજી પર હોવું જોઈએ. અગાઉ આપણને પ્રીમિયમ કે અનલીડેડ પેટ્રોલ ખરીદવાના વિકલ્પો મળતા જ હતા, પરંતુ હવે ભાજપ સરકાર જનતા પર ૨૦% ઇથેનોલ મિશ્રિત E-20 પેટ્રોલ જબરદસ્તીથી થોપી રહી છે. આ સરકારી દાદાગીરીથી મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ તો, જો પેટ્રોલમાં ૨૦% ઇથેનોલની મિલાવટ થતી હોય, તો તેનો ભાવ પણ ૨૦% ઓછો હોવો જોઈએ. પ્રજા પાસેથી શુદ્ધ પેટ્રોલના ભાવ વસૂલીને મિલાવટી પેટ્રોલ આપવું એ જનતાની ખુલ્લી લૂંટ છે. બીજું કે, બજારમાં દોડતી મોટાભાગની જૂની ગાડીઓ E-20 સુસંગત નથી, જેના કારણે એન્જિન અને સ્પેરપાર્ટ્સ બગડવાનો મોટો ભય રહે છે. તેમ છતાં લોકોને ફરજિયાત આ મિલાવટી ઇંધણ વાપરવા મજબૂર કરાય છે.

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આ અન્યાય સામે દેશમાં માત્ર અરવિંદ કેજરીવાલ લડત લડી રહ્યા છે. તેમની માંગણી છે કે દરેક પેટ્રોલ પંપ પર બે પાઇપલાઈન હોવી જોઈએ; જેને E-20 પુરાવવું હોય તે સસ્તું E-20 પેટ્રોલ મેળવે અને જેને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પુરાવવું હોય તે વધુ કિંમત ચૂકવીને શુદ્ધ પેટ્રોલ મેળવે. જેવી રીતે હોટલનો માલિક ગ્રાહકને કોઈ ચોક્કસ શાક ખાવા મજબૂર ન કરી શકે, તેવી જ રીતે સરકાર પણ વાહનચાલકો પર ફરજિયાત E-20 પેટ્રોલ થોપી ન શકે. આ અન્યાયી સરકારી નિયમનો વિરોધ કરવા માટે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પિટિશન શરૂ કરી છે. હું આપ સૌને અપીલ કરું છું કે StopE20Petrol.com વેબસાઇટ પર જઈને આ પિટિશન સાઇન કરો અને તમારો વિરોધ મજબૂતાઈથી નોંધાવો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી (AAP) ઇથેનોલ મિશ્રણ E-20 પેટ્રોલ ઓનલાઇન પિટિશન E-20 petrol protest Gujarat StopE20Petrol campaign Pure petrol vs E-20 petrol India Gopal Italia AAP statement Ethanol blended fuel issues વાહન એન્જિન સુરક્ષા ઇંધણ પસંદગી પેટ્રોલ પંપ સરકારી નીતિ

સંબંધિત સમાચાર