અમદાવાદ : માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે થયેલા લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ OBC સેલ પ્રમુખ પિયુષ પરમારે જણાવ્યું હતું કે, આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દુઃખ સાથે કહેવું પડે છે કે માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે ગઈકાલે લઠ્ઠાકાંડ થયો છે, જેમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ આજે પણ હોસ્પિટલમાં દાખલ છે તથા અત્યંત ગંભીર હાલતમાં છે. આ લઠ્ઠાકાંડનો જવાબદાર કોણ? આ ઝેરી દારૂ કોણ વેચી રહ્યું છે? પોલીસ તપાસમાં હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયા છે, પરંતુ જે પરિવારોના સભ્યોના મૃત્યુ થયા છે તેઓ અલગ હકીકત જણાવી રહ્યા છે. હું હાલમાં ત્યાં જ બેઠો છું અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી રહ્યો છું.
’આપ’ નેતા પિયુષ પરમારે વધુમાં જણાવ્યું કે, આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કઈ જગ્યાએ તેનું વેચાણ થયું એની સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ. જે પણ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દાને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારેય સહન નહીં કરે. સામાન્ય અને નાના લોકોની જિંદગી બચાવવા માટે આમ આદમી પાર્ટી અને પિયુષ પરમાર હંમેશા લડતા રહેશે. હું જનતાને પણ એક વાત કહેવા માગું છું કે આ કહેવાતા ગાંધીના ગુજરાતમાં આજે પણ અનેક ખૂણાઓમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પછી આવી દુઃખદ પરિસ્થિતિઓ સર્જાય છે. આવા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગણી છે. સાથે જ મૃતકોના પરિવારોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ અમારી માંગણી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત