અમદાવાદના નરોડા વિસ્તારમાં થોડા સમય પહેલા લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારજનો શ્રમિકનો મૃતદેહ લઈને સીધા જ સંબંધિત કંપનીના ગેટ પર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, નરોડા માં આવેલી એક કંપનીમાં લાગેલી આગમાં રમેશ પરમાર નામના શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રમેશભાઈના અવસાનના સમાચાર મળતા જ તેમનો પરિવાર શોક અને આક્રોશમાં ડૂબી ગયો હતો.
મૃતક રમેશ પરમારના પરિવારજનો તેમનો મૃતદેહ લઈને કંપનીના ગેટ પર પહોંચ્યા હતા અને દેખાવો કર્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા આ ગંભીર મામલે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી કે પરિવારને આર્થિક સહાયની કોઈ ખાતરી આપવામાં આવી નથી. સંચાલકોના ઉદાસીન વલણ સામે પરિવારજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
પરિવારજનોએ અમદાવાદ એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 'કંપનીમાં આગ લાગવાની ઘટના સંપૂર્ણપણે સંચાલકોની બેદરકારીના કારણે બની હતી. કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવતા નથી, જેના કારણે આ દુર્ઘટનામાં એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત, તો રમેશભાઈનું મૃત્યુ અટકાવી શકાયું હોત.' હાલમાં પરિવારજનો યોગ્ય વળતર અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ પર અડગ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે પણ સાવચેતીના ભાગરૂપે કડક બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.