અમદાવાદ / સુરત / ગુજરાત : આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં સુરતના પુણાગામ ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. આ સભામાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી પાર્ટીને જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા ભલે ભણેલો, બુદ્ધિશાળી, સમજદાર અને ઈમાનદાર હોય, પરંતુ હું ધારાસભ્ય ન હોઉં તો મારી બુદ્ધિ, બળ, આવડત, અભ્યાસ અને અનુભવથી ગમે એટલી કોશિશ કરું છતાં સરકારમાં મારો અવાજ ન પડે. પરંતુ તમે એક ઝાડુનું બટન દબાવો અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને, તો મુખ્યમંત્રીને પણ વોર્ડની ચૂંટણીમાં રોડ શો કરવા આવવું પડે એવી શક્તિ આવી જાય.તેમણે કહ્યું કે, તમે એક વાત વિચારો કે આપણા બાળકોનું ભવિષ્ય શું છે? અમારા જેવા નાના માણસને હરાવી દીધો એમાં બહુ મોટો તીર માર્યો ન ગણાય. પરંતુ પાટીલ સાહેબ, તીર ત્યારે માર્યો ગણાય જ્યારે વિશ્વકક્ષાનું સ્ટેડિયમ વરાછા કે કામરેજમાં ખોલીને બતાવો. આખા કતારગામ, વરાછા, પૂણા, સરથાણા અને આજુબાજુની ફાઈલવાળી સોસાયટીઓને એક મહિનામાં દસ્તાવેજ બનાવીને ખેડૂતો અને મકાનમાલિકોના ઘરે કુરિયર કરો તો તમે તીર માર્યો કહેવાય. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે પૈસા નથી, સરકારી તંત્ર નથી, ઉદ્યોગપતિઓ નથી. અમે સંઘર્ષ કરીને ધીમે ધીમે અહીં પહોંચ્યા છીએ. અમને હરાવી દીધા એમાં કોઈ મહાનતા નથી. તેમણે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના નિવેદન પર પ્રહાર કરતાં જણાવ્યું કે, મનસુખભાઈએ પોતાના ભાષણમાં કહ્યું કે ‘પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે નાળી-નાભી જેવો સંબંધ છે. હવે કોઈપણ સંબંધ બે બાજુનો હોય. અમે તો 30 વર્ષથી તમે જેટલા મત માગ્યા એટલા આપ્યા. હવે તમે કહો કે બદલામાં શું આપ્યું? શું તમે અમારા છોકરાઓ માટે લાઇબ્રેરી બનાવી? રમતગમતનું ગ્રાઉન્ડ બનાવ્યું? કોલેજ બનાવી? તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીને સ્પષ્ટ ખબર છે કે જીત્યા પછી શું કરવાનું છે. અહીં શાળાઓ બનાવવાની છે, રોડ-રસ્તા અને ગટર વ્યવસ્થા સુધારવાની છે, જૂની સોસાયટીઓમાં રોડ બનાવવાના છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના છે, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાનો છે અને બસ સેવા મફત કરવાની છે. અમને ખબર છે કે અમે શું કરવાના છીએ.
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના એકપણ નેતાને ખબર નથી કે જીત્યા પછી શું કરવાનું છે. ભાજપ કાર્યાલયે જઈને પૂછજો કે શું કરવાના છો? કોઈ પાસે જવાબ નહીં હોય. આખી પાર્ટીમાં કોઈને ખબર નથી કે શું કરવાનું છે. તેમણે કહ્યું કે, આજે ગેરકાયદેસર કામો થયા, મનફાવે તેવા મકાનો બન્યા, મનફાવે તેવા રોડ બન્યા, મનફાવે ત્યાં દુકાનો પાડી દીધી. પરંતુ હવે આગળ વધવાનો સમય છે. હવે એવો નેતા જોઈએ જેને માત્ર આગામી ચૂંટણીનું નહીં, પણ આવતી પેઢી સુધીનું વિઝન હોય. ઝાડુના નિશાન પર મત આપશો તો સુરતમાં જે જીતશે એનો નેતા અને સેનાપતિ ગોપાલ ઇટાલિયા અહીં ઊભો છે. ભાજપવાળાને પૂછો કે તેઓ જીતે તો એમનો નેતા કોણ? તમે નક્કી કરો કે સુરતને કયા નેતૃત્વમાં આગળ વધારવું છે. આવનારી ચૂંટણીમાં ઝાડુના નિશાન પર બટન દબાવી આમ આદમી પાર્ટીને વિજયી બનાવે. તેમણે કહ્યું કે, ઘણા અત્યાચાર સહન કર્યા છે, પણ અમે ડરવાના નથી. આજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ સુરતમાં સંપૂર્ણ ફ્લોપ ગયો. રોડ શોમાં કોઈ નહીં, સભામાં કોઈ નહીં. એટલે સુરતમાં પરિવર્તન નિશ્ચિત છે.
આ તકે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તેમજ સુરત વોર્ડ નંબર ૪ના ઉમેદવાર મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, અમે વિપક્ષમાં હતા, તો વિપક્ષ તરીકે અમારા વોર્ડમાં ચેક કરાવો. અમે જે કામો કર્યા છે એ તમે હાલ સુધી નથી કર્યા. વિપક્ષમાં રહીને આમ આદમી પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષની અંદર સરકારી પ્લોટ જમીનમાફિયાઓને વેચવા નથી દીધા, એ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ મહાનગરપાલિકાઓમાં વેરાવધારો થયો, પરંતુ સુરતનો વેરો અમે લડી-લડીને વધવા દીધો નથી. સુરતના લોકોના ખિસ્સા કપાવાની જે વિદાય આપી, એ પણ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે સાથીઓ. મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જેણે શિક્ષણને મુદ્દો બનાવ્યો. છેલ્લા પાંચ વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ માત્ર ૫૦૦ કરોડ હતું. કોઈપણ શહેરમાં શિક્ષણનું બજેટ નથી વધ્યું, પરંતુ માત્ર સુરત શિક્ષણ સમિતિનું બજેટ ૧૨૦૦ કરોડ સુધી પહોંચાડવામાં સફળ થયા છીએ. નાના માણસના બાળકને સારામાં સારું શિક્ષણ મળે એવા પ્રયત્નો અમે વિપક્ષમાં રહીને પણ કરવામાં સફળ થયા છીએ. તેમણે જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો અમે વિપક્ષમાં રહીને કામ કરી શકીએ, તો તમે અમને બહુમતી આપીને મહેરબાન બનાવો. આમ આદમી પાર્ટી આવે તો સામાન્ય લોકો માટે, તમારા જેવા અને મારા જેવા લોકો માટે કામ થશે. અને એ નક્કી કરવાની જવાબદારી આ વખતે તમારી છે. તેમણે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણી આપણા બધા માટે અલગ ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ શામ-દામ-દંડ-ભેદ, દારૂ-પૈસા અને તમામ પ્રકારની તાકાત લગાવીને આમ આદમી પાર્ટીને કચડવાની કોશિશ કરી રહી છે. આ વખતે સુરતની અંદર આમ આદમી પાર્ટીની 72 સીટો લાવવાનું કામ સુરતની જનતા કરશે. અમે ભાગી જવાવાળા લોકો નથી. પાંચ વર્ષ પહેલાં તમે જ્યારે જીત્યા આવ્યા ત્યારે અમારા કોર્પોરેટરોને લૂટી જવાનું કામ ભાજપે કર્યું. પણ અમે આજે હિંમતથી કહીએ છીએ કે અમે ભાગી નથી ગયા. ડબલ તાકાતથી ભાજપને બતાવવા માટે આવ્યા છીએ કે અમે ભાગી જવાવાળા માણસો નથી, અમે લડવા માટે આવ્યા છીએ. સુરતને નેતૃત્વ આપવાનું કામ અમે કરવાના છીએ. તેમણે જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ૨૬ તારીખે સવાર સવારમાં ઝાડુના બટન દબાઈ-દબાઈને ઘસાઈ જાય એવું મતદાન આ વખતે આપણે કરવાનું છે. અને ગુજરાતને નેતૃત્વ પૂરું પાડવાનું કામ સુરતે કરવાનું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


