અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, 2021માં આમ આદમી પાર્ટી સુરતમાંથી 27 કોર્પોરેટરો સાથે જીતી હતી. જેમ જ આમ આદમી પાર્ટીની જીતના સમાચાર પ્રસારિત થયા અને જીત બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે રીતે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી સી.આર. પટેલ અને ભાજપના લોકોની આંખમાં આમ આદમી પાર્ટી ખૂંચવા લાગી. સી.આર. પટેલ જે નિવેદનો ઉછાળતા હતા, ત્યારથી આપણને ખબર પડી કે આમ આદમી પાર્ટીથી તેમને કેટલો ડર અને ભય લાગ્યો છે. જે રીતે આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ કામની શરૂઆત કરી અને લોકોની આશા-ઉમીદ આમ આદમી પાર્ટી તરફ વધી, ત્યારબાદ આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. જેવી જ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી, એટલે ભાજપના લોકોએ એક સાઈકોલોજિકલ ગેમ રમી અને આમ આદમી પાર્ટીને નબળી પાડવા માટે, તેના નેતાઓને માનસિક રીતે તોડવા માટે, એક પછી એક કોર્પોરેટરોને શામ, દામ, દંડ, ભેદ, લોભ-લાલચ અને પૈસા આપી ખરીદી કરવાનો પ્રયાસ કર્યો અને એવો માહોલ ઉભો કર્યો કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે. ત્યારબાદ 2022ની ચૂંટણી આમ આદમી પાર્ટીએ બહુ મજબૂતીથી લડી, ગુજરાતમાં અંદાજે 45 લાખ જેટલા મત મેળવ્યા અને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો. તેમજ 5 જેટલા ધારાસભ્યો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવ્યા. જ્યારે ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા, ત્યારે ભાજપે ફરી એ જ ધંધો શરૂ કર્યો. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધે નહીં એ માટે તેના ધારાસભ્યોને શામ, દામ, દંડ, ભેદ અને લોભ-લાલચ આપવાનો પ્રયાસ કર્યો. જેમાં અમુક લોકો આવ્યા પણ, અને અમુક ધારાસભ્યો લોભ-લાલચમાં ન આવ્યા. તો ચૈતર વસાવા જેવા લડાયક વ્યક્તિઓ ઉપર ખોટા ગુનાઓ અને બનાવટી ફરિયાદો કરાવીને તેમને જેલમાં નાખવાનું કામ કર્યું, જેથી કરીને તેઓ ભાજપમાં જોડાઈ જાય. પરંતુ તેમાં પણ ભાજપને સફળતા મળી નહીં.
આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે 2026માં, આજથી એક વર્ષ પહેલાં, આમ આદમી પાર્ટીએ ગંભીરતાથી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ, તેમ તેમ ભાજપના ઈશારે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા અને પ્રદેશના નેતાઓને હેરાન કરવા, પોલીસ ફરિયાદોમાં ફસાવવા અને જેલમાં નાખવાના શડયંત્રો શરૂ થયા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રક્રિયા શરૂ થઈ, ઉમેદવારો ફોર્મ ભરતા હોય કે ઉમેદવારી નોંધાવતા હોય, ત્યારે તેમને ડરાવવા-ધમકાવવાનું કામ શરૂ થયું કે ઉમેદવાર નહીં બનતો, નહીં તો આવું કરશું-તેવું કરશું. તેમાં પણ તેઓ થોડા ઘણા સફળ રહ્યા. ઉમેદવારો જાહેર થયા પછી પણ ભાજપે આ ધંધો બંધ કર્યો નહીં. ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવી લેવા માટે લોભ-લાલચ અને ડર બતાવવાના પ્રયાસો થયા. ઉમેદવારી થયા બાદથી આજ સુધી સતત શડયંત્રો રચાઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ભાજપને સમર્થન કરી દે જેથી કરીને આમ આદમી પાર્ટી નબળી દેખાય અને ટીવી મીડિયામાં ખરાબ ચિત્ર ઉભું થાય. આજે જ્યારે ચૂંટણીના થોડા જ દિવસો બાકી છે, ત્યારે આપણે કેમ્પેઈન જોયું છે કે દરેક જગ્યાએથી ભાજપને લોકો ધિક્કારી રહ્યા છે, જાકારો આપી રહ્યા છે. એમના રોડ શો ફ્લોપ થઈ રહ્યા છે, સભાઓ ફ્લોપ જઈ રહી છે અને લોકો ભાજપ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ક્યાંક લોકો ‘ભાગો-ભાગો’, ‘ભગાડો-ભગાડો’ના નારા લગાવી રહ્યા છે. એટલે ભાજપ તમામ જગ્યાએથી હતાશ, નિરાશ અને ભોખલાઈ ગયું છે. હવે ભાજપ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓનો સહારો લેશે, જુદી જુદી જ્ઞાતિના આગેવાનોનો સહારો લેશે, તેમને શામ, દામ, દંડ, ભેદ અપનાવશે, સોસાયટીના પ્રમુખોને ડરાવશે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોર્ફિંગ કરેલા, AI જનરેટેડ ઓડિયો, વિડિયો અને ફોટા આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં ફેલાવશે. ભારત-પાકિસ્તાન, હિંદુ-મુસ્લિમ, શમશાન-કબ્રસ્તાન જેવી ગંદી રાજનીતિ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવાનો પ્રયાસ કરશે. હું સૌને જણાવવા માટે આવ્યો છું કે ડરી ગયેલી, હતાશ અને ભોખલાઈ ગયેલી ભાજપ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ, ઉમેદવારો અને પાર્ટીને બદનામ કરવા, ડરાવવા અને ફસાવવાના તમામ હથકંડા અજમાવશે. ચૂંટણીનો પ્રચાર બંધ થશે ત્યાર પછી પણ આવા કાવતરાઓ રચાશે. હું મીડિયાને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીનો ચોથો આધારસ્તંભ તરીકે તમારી જવાબદારી છે કે લોકશાહીને બચાવો. ભાજપના શડયંત્રો અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની પ્રવૃત્તિઓ સામે સત્યનો સાથ આપો અને નિષ્પક્ષ, તટસ્થ રીતે તમારું કાર્ય કરો. ચૂંટણીના પરિણામો તો જે આવશે તે આવશે. જો પરિણામ ન મળે તો અમે હારી જઈશું, એથી વિશેષ કંઈ નહીં. પરંતુ સારા અને સજ્જન લોકો સત્તા, વિપક્ષ કે સિસ્ટમમાં જશે તો લોકોનું ભલું થશે. ગુજરાતના ભલા માટે, સુરતના ભલા માટે અને રાષ્ટ્રના ભલા માટે સારા માણસો આગળ આવવા જરૂરી છે. આઝાદીના 78 વર્ષ પછી પણ લોકોને જે શિક્ષણ, આરોગ્ય અને પોતાના હક્કના લાભો નથી મળતા, એ લાભો અપાવવા માટે આમ આદમી પાર્ટી પૂરી નિષ્ઠા, પૂરી તાકાત અને પૂરી ઈમાનદારીથી લડવા માટે કટિબદ્ધ છે. તેથી આવા શડયંત્રો અને અમને બદનામ કરવાના કાવતરાઓથી સાવધાન રહેવા માટે હું આપ સૌને વિનંતી કરુ છું.
આમ આદમી પાર્ટી ગુજરાત


