અમદાવાદ / ગુજરાત : ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના મુદ્દે ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં ચૂંટણીને લોહીયાળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી આવે ત્યારે પોલીસ કહેતી હોય છે કે તમામ હથિયારો જપ્ત કરી લેવાયા છે, તો પછી આમ આદમી પાર્ટીના ઉનાના એક કોળી સમાજના આશાસ્પદ યુવાન ઉમેદવાર પર ગોળીબાર કેવી રીતે થાય છે? ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સુધી હથિયારો ક્યાંથી આવ્યા? હથિયાર કોણે આપ્યા? ધમકીઓ કોણે આપી? હુમલો કોણે કરાવ્યો? શું ગુંડાઓ, લુખ્ખાઓ અને ભ્રષ્ટાચારીઓના કારણે ગુજરાત બદનામ થશે? ગુજરાત હંમેશાં શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે. ગુજરાતમાં ક્યારેય અશાંતિનું અથવા બિહાર-યુપી જેવી ગન કલ્ચરનું વાતાવરણ રહ્યું નથી. જો ગુજરાતમાં ગન કલ્ચર શરૂ થશે તો લોકો મત પણ નહીં આપે. આજે અમારા અજયભાઇ બાંભણીયા જેવા કોળી સમાજના આશાસ્પદ યુવાન પર પહેલાં ધમકીઓ આપવામાં આવી હતી. મેં સાંભળ્યું છે કે ફોર્મ પાછું ખેંચાવવા માટે દબાણ કરવામાં આવતું હતું, ચૂંટણીમાંથી હટાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હતી અને ભાજપના નેતાઓ દ્વારા આ પ્રકારના દબાણ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ એમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. દુઃખની વાત તો એ છે કે ફાયરિંગ થયા પછી હોસ્પિટલમાંથી તેઓ ફરિયાદ લખાવવા જાય છે, છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. હું સાંભળું છું કે આ શું થઈ ગયું છે? આ તો ગજબ છે. આપણે ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બદનામ કરી રહ્યા છીએ. જો જાપાન કે અમેરિકાના નાગરિકોને ખબર પડે કે અહીં ગોળીબાર થાય છે અને ફરિયાદ પણ લેવામાં આવતી નથી, તો ગુજરાતની છાપ કેવી જશે?
આપ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે ઉનામાં કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ દબાણ, ધમકી કે પ્રલોભનના કારણે ફોર્મ પાછાં ખેંચી લીધાં. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ, અજય બાંભણીયા અને તેમની આખી ટીમ મજબૂતીથી ઊભી રહી છે. ઉનાના લોકો માટે લડવા માટે અને ઉનામાં નગરપાલિકામાં આમ આદમી પાર્ટી બનાવવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. એટલા માટે જ એમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. હું ઉનાની જનતાને વિનંતી કરું છું કે તમારા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોળીઓ ખાઈ રહ્યા છે, જવાબદારી લઈ રહ્યા છે, પ્રલોભનમાં નથી આવતા, ફોર્મ પાછાં નથી ખેંચતા અને ચૂંટણી લડી રહ્યા છે. હવે તમારે જોવાનું છે. હવે ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવીને ગુંડાઓ, લુખ્ખાઓ અને લફંગાઓને જવાબ આપવાનો છે, જે લોકો ગુજરાતની જનતાને પરેશાન કરે છે. આજે પોલીસને પણ મારી વિનંતી છે કે તમે લોકો ન્યુટ્રલી કામ કરો. FIR કેમ લેવામાં નથી આવતી? માની લો કે કોઈને શંકા હોય તો ફરિયાદમાં નામ આપશે, પછી તપાસ તો તમારે કરવાની છે. પરંતુ ફરિયાદ જ નહીં લેવાય, એવી વાત મેં સાંભળી છે. આ તો હદ થઈ ગઈ. હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જુઓ, તમારા માટે અમે કેવી રીતે લડી રહ્યા છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત


