અમદાવાદ / રાજકોટ / ગુજરાત : આમ આદમી પાર્ટી પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ ગુજરાતમાં નગર નિગમ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અને આ ચૂંટણી ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાતની જનતા આ વખતે માત્ર કોઈ એક પાર્ટીને જીતાડવા કે હરાવવા માટે નહીં, પરંતુ એ બતાવવા માટે મતદાન કરવા તૈયાર છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું ગુલામ નથી. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે, પરંતુ હવે લોકો તાનાશાહી, અહંકાર અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર લોકો માટે કામ કરતી નથી, પરંતુ તેના નેતાઓ અહંકાર, તાનાશાહી અને ભ્રષ્ટાચાર જ બતાવે છે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં મજબૂત વિકલ્પનો અભાવ હતો. કોંગ્રેસ માત્ર ચૂંટણી લડવા માટે લડતી હતી, પરંતુ દરેક ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ભાજપના હેડક્વાર્ટરમાં નક્કી થતા રહ્યા. ભાજપના નેતાઓ જ લોકોને કહેતા કે જો ભાજપથી નારાજ હો તો કોંગ્રેસને મત આપો, કારણ કે ત્યાં પણ અમારા જ લોકો છે. તેમણે મીડિયા મિત્રોને અભિનંદન આપતાં કહ્યું કે મીડિયા દ્વારા છેલ્લા 30 વર્ષના આ તાનાશાહી શાસનને ખુલ્લું પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે સામે આવી છે. અગાઉની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 18 ટકા મત મળ્યા હતા અને ત્યારબાદની ચૂંટણીમાં 23 ટકા મત મળ્યા હતા. આ વખતે ખાસ કરીને રાજકોટમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં લોકો વચ્ચે ફરતા તેઓએ અનુભવ્યું કે લોકો ભાજપથી કંટાળી ગયા છે. ગુજરાત ભાજપનું ગુલામ નથી. આ શબ્દો તેઓએ સીધા લોકો પાસેથી સાંભળ્યા છે.
આમ આદમી પાર્ટી પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાએ રાજકોટના તાજેતરના દુર્ઘટના કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજકોટમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં 9 બાળકો પણ સામેલ હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ સમગ્ર કાંડમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હતા, છતાં કોઈ મોટી કાર્યવાહી થઈ નથી. કારણ કે ભાજપને લાગે છે કે રાજકોટ અને ગુજરાતની જનતા એમની ગુલામ છે. એક અધિકારીને ફસાવવામાં આવ્યો, પરંતુ મૂળ દોષિતો સામે કાર્યવાહી થઈ નહીં. આ વખતે રાજકોટની જનતા મત આપીને બતાવશે કે તેઓ ભાજપના ગુલામ નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજકોટમાં ભાજપના કાઉન્સિલરો લોકો પાસે ખુલ્લેઆમ પૈસા માંગે છે. કોઈ પોતાનું મકાન કે દુકાન બનાવવા માગે તો પહેલા ભાજપના લોકોને પૈસા ચઢાવવા પડે છે, પછી જ કામ થાય છે. આ ભ્રષ્ટાચાર સામે લોકો હવે મતથી જવાબ આપશે. શિક્ષણ મુદ્દે મનીષ સિસોદિયાએ જણાવ્યું કે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત અત્યંત ખરાબ છે. આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો પછી થોડું બિલ્ડિંગ સુધારાયું હશે, પરંતુ શિક્ષણનું સ્તર આજે પણ ખરાબ છે. તેમણે ભાજપને પડકાર આપ્યો કે રાજકોટ કે આસપાસની કોઈ સરકારી શાળામાંથી એક પણ બાળક NEET પાસ કરીને ગયો હોય કે JEE પાસ કરીને ગયો હોય તો બતાવો. સરકારની શિક્ષણ નીતિ લોકોને મજૂર બનાવવા માટે છે, આગળ વધારવા માટે નહીં. તેમણે કહ્યું કે ભાજપની માનસિકતા એવી છે કે જો બાળકોને સારું ભણાવવું હોય તો પ્રાઈવેટ સ્કૂલોમાં મહિને 10 હજારથી 20 હજાર રૂપિયાની ફી આપો. મનીષ સિસોદિયાએ સરકારી હોસ્પિટલો અને સમગ્ર સિસ્ટમને પણ બરબાદ કરવાના આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે ભાજપે છેલ્લા 30 વર્ષથી શાળાઓ, હોસ્પિટલો અને સમગ્ર તંત્રને નબળું બનાવી દીધું છે. હવે લોકો પાસે વિકલ્પ છે અને આ ચૂંટણીમાં લોકો તેનો ઉપયોગ કરશે. કોલેજ અને યુનિવર્સિટીઓ અંગે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં શિક્ષણના બદલે ગાંજાના છોડ પકડાય છે. મીડિયા દ્વારા આ બાબતો બહાર લાવવામાં આવી છે, તે બદલ તેમણે મીડિયાને સલામ કરી. તેમણે કહ્યું કે જો કોઈ વેપારી રસ્તા સુધારવાની માંગ કરે, ગટર કે ખાડાની સમસ્યા ઉઠાવે, તો તેના વિરુદ્ધ નોટિસ અને પોલીસ કાર્યવાહી થાય છે. આજ પરિસ્થિતિમાં જ્યારે લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે, ત્યારે ભાજપ પોતાની જૂની શૈલીમાં આવી ગઈ છે.
આમ આદમી પાર્ટી પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર ખોટા કેસો કરવા શરૂ કર્યા છે. કેટલાક સ્થળે ઉમેદવારો પર ગોળીબાર જેવી ઘટનાઓ પણ બની છે. ભાજપ હવે પોતાની ગુન્ડાગીરીના અંતિમ ચરણમાં છે પોલીસ, અધિકારીઓ અને તંત્રનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનું, ધમકાવવાનું, જેલમાં મોકલવાનું અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરવાની કાર્યવાહી કરી રહી છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લોકોએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ચૂંટીને મોકલ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભાજપના નેતાઓ, જેમાં સી.આર. પટેલ અને સંઘવી સાહેબ જેવા નેતાઓએ નિવેદન આપ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટીના 27 પણ નહીં આવવા દઈએ.તેના જવાબમાં મનીષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની ચિંતા છોડો, ભાજપ પહેલા એ જવાબ આપે કે છેલ્લા 30 વર્ષમાં કર્યું શું? તેમણે પડકાર આપતા કહ્યું કે રાજકોટમાં એકપણ એવી સરકારી શાળા બતાવો કે જ્યાં ભાજપે કાયાપલટ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપ્યું હોય. કોઈ કોન્ટ્રાક્ટરને પૈસા આપી દીવાલ રંગાવી હશે કે રૂમ બનાવી દીધો હશે, એ કામને વિકાસ કહી શકાય નહીં. મનીષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીને માત્ર વિપક્ષમાં બેસવાનો મોકો મળ્યો હતો, છતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સુરતમાં જઈને શાળાઓ સુધારવાનું કામ કર્યું છે અને હોસ્પિટલોની અંદર બેડ વધારાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પોલીસ, એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), તેમજ ગુન્ડાગીરીના જોરે જનતાને અને આમ આદમી પાર્ટીને ધમકાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સતત ખોટા આરોપો મૂકે છે, એક પછી એક ફર્જી કેસ બનાવે છે અને પોતાના લોકો પર કાર્યવાહી કરતી નથી, જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવે છે. થોડા દિવસ પછી ખ્યાલ આવે છે કે કેસ નબળા છે, પરંતુ ચૂંટણી દરમિયાન ડરાવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ભાજપ આ મુદ્દાઓ ચૂંટણીમાં ઉઠાવી રહી છે કારણ કે ભાજપના પોતાના કોર્પોરેટરોના વિડિયો લોકો સામે આવી રહ્યા છે અને જનતા તેમને જૂતાં મારીને ભગાડી રહી છે. જો આમ આદમી પાર્ટી સામે કોઈ કેસ ન હોય તો પણ ભાજપ કેસ બનાવી દે છે. સુરતમાં ફરતા એક વિડિયોના સંદર્ભમાં તેમણે કહ્યું કે જો ભાજપ કહી રહી છે કે હવાલાનો વેપાર ચાલી રહ્યો છે, તો એનો અર્થ એ થયો કે ભાજપ સ્વીકારી રહી છે કે તેમના લાંબા શાસનમાં સુરતમાં આંગડિયા અને હવાલાનો વેપાર ચાલે છે. તેમણે સવાલ કર્યો કે જો આંગડિયાનો ધંધો ચાલી રહ્યો હતો તો ભાજપ કોના માટે આ ધંધો ચલાવી રહી હતી? તેમણે પડકાર આપતા કહ્યું કે જો ભાજપ પાસે કોઈ એક મિનિટની CCTV ફૂટેજ હોય, તો આખા દિવસની અને આખા મહિનાની CCTV ફૂટેજ જાહેર કરે જેથી લોકો જોઈ શકે કે કોણ-કોણ ત્યાં આવતું હતું. જો પોલીસ અને ભાજપને ખબર હતી કે આંગડિયાનો ધંધો ચાલે છે, તો કાર્યવાહી કેમ ન થઈ? મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ભાજપે પોતાના 30 વર્ષના શાસનમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવા દીધી હોય તો તેમને શરમ આવવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે જનતા નિર્ણય લે છે ત્યારે કોઈ ખોટા રિપોર્ટ, પ્રચાર કે દમન કામ નથી આવતું.
આમ આદમી પાર્ટી ગુજરાત


