અમદાવાદ / ગુજરાત : અમદાવાદનાં નરોડા સ્થિત બળીયા બાપની ચાલીમાં 150થી વધુ ઘરો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બુલડોઝર ફેરવી દેવાતા લોકો બેઘર બન્યા છે. ગઇકાલે પોતાના ઘરમાં રહેતા લોકો આજે રોડ પર આવી ગયા છે. આ બેઘર થયેલા લોકોનું કહેવું છે કે કેશુભાઇ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા તેના સહી સિક્કા પણ અમારી પાસે છે. અમે વર્ષોથી લાઇટ,પાણી બિલ અને ટેક્સ ભરીએ છીએ. હવે ભાજપ સરકારને યાદ આવ્યું કે આ સરકારની જમીન છે. ભાજપે અમારી સાથે અન્યાય કર્યો છે. પોતાની વેદના વ્યક્ત કરતાં આ લોકોને સહારો આપવા માટે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઇ પહોંચ્યા હતા. ગૌરી દેસાઇએ તંત્ર પર આકરા પ્રહાર કહ્યું હતું કે ભાજપ સરકારે લોકોને રોડ પર લાવી દીધા છે. આગામી 24 કલાકમાં સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો અહીનાં રહીશો સાથે મળીને તેઓ સરકાર સામે ધરણાં કરશે.
AAP નેતા ગૌરી દેસાઇએ મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 6 નવેમ્બરે અહીંના રહીશોને એક નોટિસ આપવામાં આવી હતી. અહીં લોકો 50 વર્ષથી વસવાટ કરે છે અને આટલા વર્ષોથી વીજળી અને પાણીનું બિલ ભરતા આ લોકોને ડિમોલીશનની નોટીસ આપવામાં આવી હતી. 50 વર્ષ પછી સરકારને યાદ આવ્યું કે આ જગ્યા સરકારની છે. આટલી ઠંડીમાં નાના ભૂલકાઓ, વૃદ્ધો અને લોકોને બેઘર કરવામાં આવ્યા અને તેઓ રોડ પર આવી ગયા. આ લોકો બિલ અને ટેક્સ પણ ભરે છે. લોકો પાસે સરપંચના કાગળ પણ છે. આમ છતાં આ સમગ્ર જગ્યાનું ડિમોલીશન કરવાથી લોકો રોડ પર આવી ગયા છે. અત્યાર સુધી અહીંના સ્થાનિક ધારાસભ્ય કે કોર્પોરેટર કોઇ જોવા પણ નથી આવ્યું. અહીંના લોકોની એક જ માંગણી છે કે અમને ઘરની સામે ઘર આપો. આગામી 24 કલાકમાં સરકાર તરફથી કોઈ વ્યક્તિ અહીં આવશે નહીં અને તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો તમામ લોકો સરકાર સામે કૂચ માંડશે અને ધરણા પર બેસશે. “બેટી બચાવો, બેટી પઢાવો”ની સરકાર મોટી મોટી વાતો કરે છે. પરંતુ અત્યારે છોકરીઓનું ભણતર બગડી રહ્યું છે, વૃદ્ધો બીમાર છે. જો આવતીકાલ સુધીમાં આ લોકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કૂચ કરવી પડશે.


