વડોદરા શહેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને અનુલક્ષીને માંડવા–ચાંદોદ ખાતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સહભાગી બન્યા હતા. સ્વચ્છ અને સુંદર પરિસર દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાની ભાવના સાથે સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.
આ પ્રસંગે પવિત્ર નર્મદા નદીના કિનારે યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૪.૫૧ કરોડના ખર્ચે આકાર પામેલા વિકાસકાર્યોમાં ચેન્જીંગ રૂમ, રેલિંગ, આરસીસી રોડ, પાર્કિંગ, પાથવે, ફૂડ કોર્ટ તથા શૌચાલય સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સુવિધાઓ ઉપલબ્ધ થતાં પવિત્ર નર્મદા કિનારે પિતૃકાર્ય સહિત ધાર્મિક વિધિઓ માટે આવતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને સહુલિયત પ્રાપ્ત થશે. યાત્રિકોની સુવિધા, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત પરિસર નિર્માણ તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસથી ચાંદોદ-માંડવા વિસ્તારના ધાર્મિક અને યાત્રાધામ તરીકેના વિકાસને પણ વેગ મળશે.
વિકાસકાર્યોના લોકાર્પણ સાથે સેવાસેતુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ સરકારી સેવાઓ અને જનકલ્યાણલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન તથા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો. સેવાસેતુના માધ્યમથી સરકારની સેવાઓ નાગરિકોના ઘરઆંગણે પહોંચે તે દિશામાં કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી સાગર મોવલિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી તેજલબા રાણા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભીખીબેન રબારી, ચાંદોદના સરપંચ શ્રી દીપ્તિબેન, માંડવાના સરપંચ શ્રી અલ્પેશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાન તથા વિકાસકાર્યોમાં સહભાગી બની નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને જાહેર સુવિધાઓનો સુયોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
માંડવા–ચાંદોદ ખાતે હાથ ધરાયેલી સ્વચ્છતા કામગીરી, યાત્રિકલક્ષી વિકાસકાર્યો તથા સેવાસેતુ કેમ્પના આયોજનથી સમગ્ર વિસ્તારના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.